ગુજરાતનો પશુપાલન ક્ષેત્રે ડંકો: 183 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં ચોથા ક્રમે...

ગુજરાતનો પશુપાલન ક્ષેત્રે ડંકો: 183 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં ચોથા ક્રમે…

10 જિલ્લામાં રૂ. 19.98 કરોડના ખર્ચે નવનિર્મિત 31 પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ

અમદાવાદઃ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ જીએનએલયુ-ગાંધીનગર ખાતે “‌‌‌‌‌‌‌‌‌પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય: નવીનતા, રોગ નિવારણ અને પશુકલ્યાણ” વિષય પર ટેક્નિકલ સેમીનાર યોજાયો હતો. સમારોહ દરમિયાન સેમિનારના શુભારંભ સાથે પ્રધાન રાઘવજી પટેલે એક સાથે રાજ્યના ૧૦ જિલ્લામાં રૂ. ૧૯.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત કુલ ૩૧ પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ સમારોહ દરમિયાન ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કૃત્રિમ બીજદાનની તાલીમ પૂર્ણ કરેલા રાજ્યના ૨૧૭ મલ્ટી-પર્પઝ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનીશીયન ઇન રૂરલ ઇન્ડિયા ટેકનીશીયનને કૃત્રિમ બીજદાન માટે જરૂરી ૧૨ સાધન-સામગ્રી ધરાવતી કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુ વીમા યોજના હેઠળ ક્લેમ મંજૂર થયો હોય તેવા લાભાર્થીઓને વીમા હેઠળ મળવાપાત્ર રૂ. ૪૦,૦૦૦ રકમના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતે પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં રાજ્યના પશુપાલકો ઉપરાંત પશુ સારવાર માટે કામ કરતા રાજ્યના પશુ ચિકિત્સકોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે. આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો ૨૫ ટકા છે અને ભારતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતમાં વાર્ષિક ૧૮૩ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે.

દૂધ ઉત્પાદન અને પશુ આરોગ્યને સીધો સંબંધ છે, તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર રાખવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે પશુ સારવાર કેન્દ્ર અને ફરતા પશુ દવાખાના થકી ઘરઆંગણે પશુ આરોગ્ય સુવિધા, પશુ સંવર્ધન માટે રાહત દરે કૃત્રિમ બીજદાન અને આઈવીએફની સુવિધા, પશુઓમાં રોગ નિયંત્રણ માટે રસીકરણ અભિયાન, પશુ ચિકિત્સકોની ઉપલબ્ધતા, પશુઓના પોષણ માટેની યોજના તેમજ પશુઓના રક્ષણ માટે પશુ વીમા યોજના જેવી અનેકવિધ નવતર પહેલો કરી છે.

આ કાર્યક્રમ દરમિયાન રાજ્યની વેટરનરી કોલેજોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અવ્વલ આવેલા ૩૧ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રધાનના હસ્તે સ્ટુડન્ટ ઓફ ધ યરની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ પ્રધાન દ્વારા ઓલ ગુજરાત વેટરનેરીયંસ સોશિયલ સિક્યુરીટી ટ્રસ્ટના વાર્ષિક અહેવાલ તેમજ ‘ધ ગુજરાત વેટરીનરી ટેક્નિકલ ઓફિસર્સ એસોસિયેશન ડિરેક્ટરીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…કેસર કેરી મહોત્સવઃ અમદાવાદીઓ 4 કરોડની કેરી ઝાપટી ગયા…

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button