આપણું ગુજરાત

ગુજરાતમાં ૨.૭૩ લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવામાં આવી?

ગુજરાતમાં ૧૫ જણસીઓ ટેકાના ભાવે ખરીદવાની જોગવાઈ

ગાંધીનગરઃ ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી ખેડૂતો પાસેથી વિવિધ જણસી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભારત સરકાર દ્વારા કુલ ૨૩ પાકો નક્કી કરવામાં આવ્યા છે, તેમાં ગુજરાતમાં ૧૫ જણસી જેવી કે બાજરી, જુવાર, કપાસ, મગ, તલ, ચણા, રાઈ, શેરડી, મગફળી વગેરેનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થાના ભાગરૂપે ગત ચોમાસુ સિઝનમાં ગુજરાત સરકારે રાજ્યના ૨.૭૩ લાખથી વધુ ખેડૂતો પાસેથી અંદાજે ૧૨.૨૩ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ટેકાના ભાવે ખરીદીને પૂરતા ભાવ આપ્યા છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો : Rajkot માર્કેટિંગ યાર્ડ શિયાળુ પાકથી ઉભરાયું, વાહનોની લાંબી લાઈનો લાગી…

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ચોમાસુ સિઝન ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને પ્રતિ ૨૦ કિલોએ રૂ. ૩૫૦ જેટલો ભાવ વધારો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શિયાળુ સિઝનમાં થતા ચણા, રાયડો, ઘઉં, વગેરેનો પૂરતા ભાવ મળી રહે અને નુકસાન ના થાય તે માટે અગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વધુમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવે ડાંગર પ્રતિ ક્વિન્ટલે રૂ. ૨,૩૨૦, બાજરી રૂ. ૨,૬૨૫, જુવાર રૂ. ૩,૩૭૧, મકાઈ રૂ.૨,૨૨૫, તુવેર રૂ. ૭,૭૫૦, મગ રૂ. ૮,૬૮૨, અડદ રૂ. ૭,૪૦૦ તેમજ મગફળી પ્રતિ ક્વિન્ટલે રૂ. ૬,૭૮૨ના ભાવે ખરીદવામાં આવી છે જેમાં ગત વર્ષ કરતાં અંદાજે ક્વિન્ટલ દીઠ રૂ. ૨૦૦ થી ૨૫૦ જેટલો વધારો કરવામાં આવ્યો છે‌ તેમ મંત્રીશ્રીએ‌ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : Vibrant Gujarat સમિટ 2026માં કેમ નહીં યોજાય? જાણો શું છે કારણ…

ટેકાના ભાવ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

તેમણે પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. જેમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા એગ્રો ક્લાઈમેટ ઝોન મુજબ તાલુકાની પસંદગી કરવામાં આવે છે. આમાં તાલુકા દીઠ ૩ ગામોનું ક્લસ્ટર બનાવીને વિવિધ ૧૨ ખેડૂતોની પસંદગી કરવામાં આવે છે. જેમાં ખેડૂત પાસેથી વાવણીથી ઉત્પાદન સુધીના ખર્ચની વિગતો મેળવવામાં આવે છે. આ ઉત્પાદન દરમિયાન થયેલ ખર્ચમાં ૫૦ ટકાનો વધારો કરીને ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ભારત સરકારના ધોરણો મુજબ ખેડૂતોની હાજરીમાં સેમ્પલ લેવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button