રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત, મંત્રીનો થયો ચમત્કારિક બચાવ

રાજકોટઃ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને ગત રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. મળતી વિગત પ્રમાણે, રાજ્યના કૃષિ મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતા હતા ત્યારે ચોટીલા પાસે તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મંત્રી રાઘવજી પટેલનો ચમત્કારીક બચાવ થયો હતો.
અકસ્માતના પગલે હાઇવે પર ટ્ર્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જામનગરમાં પસાયા બેરાજા ખાતે ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં તે દરમિયાન તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. તેને રાત્રે 3 થી 4 વાગ્યાની આસપાસ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યાના સમાચાર મળતા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ તેમની ખબર અંતર પૂછવા હૉસ્પિટલ ધસી ગયા હતા.