નખત્રાણામાં રેલવે એન્જિનની હડફેટે સાત ગાયોના મોતથી ગૌપ્રેમીઓમાં રોષ
ભુજ: પશ્ચિમ રેલવે દ્વારા ભુજથી નલિયા સુધી પાથરવામાં આવેલા નવા ટ્રેકનું જોરશોરથી પરીક્ષણ ચાલી રહ્યું છે તેવામાં નખત્રાણાથી ગંગોણ રેલવે ટ્રેક પર ટેસ્ટિંગ માટે પૂરઝડપે દોડતા એન્જિનની હડફેટે આવવાથી અંદાજે સાત જેટલી ગાય માતાના કચડાઈને મોત નીપજતાં લોકોમાં રેલવે તંત્રની અક્ષમ્ય બેદરકારી સામે કચવાટ સાથે રોષની લાગણી ફેલાઇ છે.
રેલવે ટ્રેકના માર્ગમાં આવતાં ગંગોણ, વિભાપર, મોસુણા જેવા ગામોમાં માલધારીઓની સંખ્યા વધુ હોવાનું જાણવા છતાં આ ટ્રેકની આસપાસ પશુઓની સલામતી માટે ફેન્સિંગ સહિતની સુરક્ષાલક્ષી વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી આગામી સમયમાં આ પાટા તેમના પશુધન માટે મોતના પાટા બનશે તેવું રોષે ભરાયેલા પશુપાલકોએ જણાવ્યું હતું. નખત્રાણાના ગંગોણ પાસે બનેલી કરુણાંતિકામાં એન્જિનના ચાલકે સમયસર ન થોભાવતાં ગાયોના કપાઈને દર્દનાક મોત નિપજ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
રામપર રોહાના પૂર્વ સરપંચ ઇન્દ્રજીતસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, ગત ગુરૂવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં આ કાળજું કંપાવી દેનારો બનાવ બન્યો હતો. ટ્રેક પર પરીક્ષણ માટે ભુજ તરફ તીવ્ર ગતિથી દોડી રહેલા ટ્રેનના એન્જિનની અડફેટમાં આવી જઈને ગાયોના મૃત્યુ થયા હતા. આ ટ્રેકના વિસ્તારમાં દીપડાનો પરિવાર રહે છે ત્યારે વહેલી તકે અહીં ફેન્સિંગ અથવા સેફટી ગાર્ડ લગાડવામાં આવે અને માલધારીઓને વળતર ચુકવવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી.