સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનો ‘વારસાઈ કિંગ’ રાદડિયા માથું ઊંચકે છે?
ગુજરાતનાં રાજકારણની તાસીર અને તસવીર બદલતી દેખાય છે. સહકારી ક્ષેત્ર પર સૌરાષ્ટ્રના પાટીદાર સમાજનો દબદબો યથાવત હોય તેમ ભાજપના મેંડેંટ વિરૂદ્ધ જઈને જેતપૂરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપિન પટેલ (ગોતા)ને મોટા અંતરથી માત આપી હતી.
ગુરુવારે જયેશ રાદડિયાને જિતાડીને આજે બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી અમરેલીના પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીએ ઈફકોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ છે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફકોના ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે. ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કો 60 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી સંસ્થા છે. અને ફર્ટિલાઈઝર ક્ષેત્રે હરણફાળ ભરનાર ઇફ્કોના ચેરમેન તરીકે ફરી ગુજરાતી દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે.
અમિત શાહને પણ કહી દીધું ..’ ઉં…હું.. ‘
બીજી તરફ, સંઘાણીના અમરેલીમાં ભાજપના ત્રણ ટર્મ સાંસદ નારણ કાછડિયાએ ખુલ્લો મોરચો માંડ્યો છે. આ માત્ર કાછડિયાની વ્યથા નહીં રહેતા,પરિણામો પછી મોટા ભાગે લોકસભામાં આવું જોવા મળે તો કદાચ નવાઈ નહીં રહે. ભાજપ દ્વારા ભરતી મેળાના નામે કોંગ્રેસ- આપમાથી આવતા કાર્યકરોની આવ-ભગત અને સીધા હોદ્દા આપવાની પ્રક્રિયાથી કાછડિયા નારાજ થયા છે, ગુરુવારે રાડદિયાની જીત બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે એક નિવેદનમાં કહ્યું કે, સહકારી ક્ષેત્રે ઇલું ઇલું ચાલે છે’ પાટિલનો ઈશારો રાદડિયા-સંઘાણી તરફ હતો ? જો, હા હોય તો પાટિલને સૌરાસ્ટ્ર પ્રત્યે અણગમો હોય તેવું ચિત્ર ઊપસે છે.
કહેવાય છે કે પોરબંદર લોકસભા મતવિસ્તારમાં જ્યારે કેન્દ્રિય ગૃહ મંત્રી ગયા ત્યારે પોતાના જ સંબંધી બિપિન ગોતાને ઇફફો માટે મેંડેંટ અપાઈ ચૂક્યો હતો. જામકંડોરણામાં બંધ બારણે અમિત શાહે ઇફ્કોમાંથી નામાંકન પરત લેવા રાદડિયાને જણાવ્યુ હતું. પણ કહેવાય છે કે રાડદિયાએ ચોક્ખો નનૈયો ભણી દીધો.
ભાજપમાં ચરું જે ધીમે ધીમે ઊકળે છે ?
એક બાજુ રાદડિયા-સંઘાણી અને બીજી બાજુ નારણ કાછડિયા, વડોદરામાં જ્યોતિ પંડ્યાની નારાજગીના પરિણામે બે ટર્મ સાંસદ રહેલા રંજન બહેન ભટ્ટ કપાયા. સાબરકાંઠામાં પણ લોકસભા ઉમેદવાર બદલવા પડ્યા. રાજકોટમાં રૂપાલા વિવાદે સમગ્ર પાર્ટી સહિત વડા પ્રધાનને પણ નીચું જોવરાવ્યું.
મોદીએ સૌરાષ્ટ્રમાં ચાર સભા કરી,ચારેય જ્નસભાઓનું રાજકોટથી માત્ર 100 કિલોમીટરનું અંતર હતું. પણ ન તો રૂપાલા એક પણ મંચ પર હતા કે ના તો રૂપાલાનું નામ સુધ્ધા મોદીની જીભ પર આવ્યું. કદાચ અંતરમાં તિરાડ પડી, એટલે અંતર પડ્યા.
હવે લોકસભાની ચૂંટણીનાં પરિણામોની રાહ જોવાય છે. સમગ્ર પરિણામના પોસ્ટમોર્ટમ બાદ ‘શિસ્ત;ની ચાબૂક કોના પર કેવી રીતે વીંઝાશે તે જોવું પણ રસપ્રદ રહેશે. લોકમુખે તો આ ચર્ચા ભાજપનું ટ્રેલર હોવાનું પણ ચર્ચાય છે.