ઉમિયા ધામના પ્રમુખનું મહત્ત્વનું નિવેદન: પાટીદારોની વસ્તી વધારવા ‘ચાર બાળક’ની હાકલ…
પાટીદારોમાં 'વન ચાઈલ્ડ, નો ચાઈલ્ડનો' ટ્રેન્ડ ઘાતક

અમદાવાદઃ ગુજરાતમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સમાજના લોકોને પરિવારમાં ત્રણથી ચાર બાળક પેદા કરવાની અપીલ કરીને કહ્યું, જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં પાટીદાર સમાજની તાકાત ઘટી જશે.
સંખ્યાબળ ઘટશે તો સામાજિક અને રાજકીય તાકાત પણ ઘટી જશે. આર પી પટેલે કહ્યું, જો રાજકીય તાકાત ઘટશે તો સનાતન ધર્મની તાકાત પણ ઘટશે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખે કહ્યું, આ સ્થિતિમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો હોવા જરૂરી છે.
આર પી પટેલે કહ્યું હતું કે પાટીદારોમાં ‘વન ચાઈલ્ડ નો ચાઈલ્ડ’નો ટ્રેન્ડ ઘાતક છે. સુખી સંપન્ન પરિવારના એક બાળકને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. આ સ્થિતમાં મારી તેઓને ત્રણથી ચાર બાળકો પેદા કરવાની અપીલ છે. એક બાળકના નિવેદન બાદ આર પી પટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યા હતા.
આ પહેલા તેમણે કહ્યું કે દીકરીઓના પ્રમ લગ્ન માટે પરિવારજનો દોષી છે. દીકરીઓને ઘરમાં પ્રેમ અને સ્નેહ મળતો નથી, તેથી તેઓ ઘરેથી ભાગી જાય છે અને બીજા સમુદાયમાં પ્રેમ લગ્ન કરે છે. આ સ્થિતિમાં દીકરીઓને ખૂબ પ્રેમ કરો. તેમણે લોકોને દીકરીઓની ઉપેક્ષા નહીં કરવાની અપીલ કરી હતી. તેમણે પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજીયાત કરવાની માંગ ઉઠાવી હતી.
ભવિષ્યમાં કુટુંબ વ્યવસ્થા નહીં રહેઃ અલ્પેશ કથીરિયા
આર. પી. પટેલના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા આપતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે આર પી પટેલનું નિવેદન ખૂબ સૂચક છ. ‘વન ચાઈલ્ડ, નો ચાઈલ્ડ’ની પોલિસીના કારણે ભવિષ્યમાં કાકા, મામા, ફઈ, માસી જેવી કુટુંબ વ્યવસ્થા નહીં રહે, તેનાથી સમાજની સંખ્યા પર ગંભીર અસર થશે. આપણે આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ.
મોંઘવારીમાં ત્રણ-ચાર બાળકોને ઉછેરવાનું અઘરું
રેશ્મા પટેલે જણાવ્યું, વધુ બાળકો હોવાથી સામાજિક કે રાજકીય પ્રગતિ ન થઈ શકે. 3 બાળકો હોવા એ વાત સાથે હું સહમત નથી. લોકોમાં જાગૃતતા હોવી જરૂરી , વધુ બાળકો હોવા એ પરિવાર પર આધાર છે. યુવાનોમાં બેરોજગારી વધી છે, પરિવારનું પાલન કરવું મુશ્કેલ બન્યું છે. મોંઘવારીમાં ત્રણચાર બાળકો પાલવવા અઘરા છે.
સંગઠિત સમાજ જ સાચી તાકાત
લાલજી પટેલે કહ્યું, દરેક આપણા આવનારી પેઢીના દરેક બાળકોએ બે-ત્રણ બાળકો પેદા કરવા પડશે. આપણા સમાજમાં એવી માન્યતા છે કે સત્તા અને પ્રભાવ જાળવી રાખવા માટે દરેક પરિવારે બે-ત્રણ બાળકો પેદા કરવા જોઈએ, પરંતુ મને લાગે છે કે હાલની પાટીદાર પેઢી ખૂબ જ ભણેલી-ગણેલી છે. આ ભણેલી-ગણેલી પેઢી પોતે જ સમજીને એક કે બે બાળકો સુધી જ પરિવાર સીમિત રાખે છે.
મારી દૃષ્ટિએ બાળકોની સંખ્યા વધારવા કરતાં સંગઠન પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. જો ગુજરાતમાં સવા કરોડનો પાટીદાર સમાજ સંગઠિત થાય તો રાજકારણ હોય, વેપાર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, આપણે ચોક્કસ ધાર્યું પરિણામ મેળવી શકીશું. આપણે ભૂતકાળમાં પણ આ સંગઠનશક્તિનો પરિચય આપ્યો છે. તેથી, માત્ર બાળકોની સંખ્યા વધારવાથી સત્તામાં ભાગીદારી મળે એવું હું માનતો નથી. સંગઠિત સમાજ જ સાચી તાકાત છે.
શું છે વિશ્વ ઉમિયાધામનું મહત્ત્વ
ગુજરાતમાં વિશ્વ ઉમિયાધામ પાટીદારોની અગ્રણી સંસ્થા છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેની સાથે જોડાયેલા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. રાજ્યમાં પટેલોની અનેક મોટી સંસ્થાઓ છે. જેમાં ખોડલધામ, સરદારધામ અને વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ છે. વિશ્વ ઉમિયા ધામની આગેવાનીમાં અમદાવાદમાં ભવ્ય ખોડિયાર મંદિર બની રહ્યું છે. ગુજરાતમાં પાટીદાર સમાજ રાજકીય રીતે પણ ખૂબ સશક્ત છે.
આ પણ વાંચો…પાટીદાર દીકરીએ સોશિયલ મીડિયા પર રડતાં -રડતાં રાજકારણ અને પોલીસ પર આક્ષેપો! જુઓ વીડિયો