આપણું ગુજરાત

પાટનગરમાં લોખંડી પહેરો: ૨૮ આઇપીએસ સહિત છ હજાર જવાનોનો બંદોબસ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:૯ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર, સેકટર-૧૭ એકિઝબીશન સેન્ટર તથા ગિફટ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના વિવિધ કાર્યક્રમને પગલે પાટનગરમાં ૧ એડી. ડીજીપી, ૬ આઇજીપી-એડી.ડીજીપી ૬ આઇજીપી-ડીઆઇજીપી, ૨૧ એસ.પી., ૬૯ ડીવાય.એસપી, ૨૩૩ પી.આઇ., ૩૯૧ પીએસઆઇ, ૫૫૨૦ પોલીસ, ૧૦૦ કમાન્ડો, ૨૧ મોરચા સ્ક્વોડ, ૮ ક્યૂઆરટી ટીમ, ૧૫ બીડીડીએસ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ કર્મીઓ તહેનાત રહેશે, એટલું જ નહિ, આડેધડ પાર્કિંગ ન થાય તેની તકેદારી માટે ૩૪ ટ્રાફિક ક્રેઇન પણ શહેરના માર્ગો પર ફરશે.

ગાંધીનગરના રેન્જ ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો પધારવાના છે, જેને અનુલક્ષીને સુરક્ષા અને સલામતીનો સુચારૂ અને વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યો છે, જેનું આવતી કાલથી રિહર્સલ શરૂ કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪નો પ્રારંભ ૧૦મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો થી થશે, જેનો પ્રારંભ વડા પ્રધાનના હસ્તે મહાત્મા મંદિર ક્ધવેન્શન હોલ ખાતે થશે. આ સમગ્ર બંદોબસ્તને કુલ છ ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સિટી, રાજ ભવન, રોડ બંદોબસ્ત અને મોર્ચા સ્ક્વોડનો સમાવેશ થાય છે.

મહાત્મા મંદિર, સેકટર-૧૭ એકિઝબિશન તથા ગિફટ સિટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા થ્રીડી મેપિંગ કરવામાં આવ્યુ છે તથા જરૂરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કિંગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી-એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે. ડિપ્લોયમેન્ટ માટે પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓનાં વાહનોના પાર્કિંગ માટે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે ફ્રીકવન્સી ચેનલ ઊભી કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સિકયુરીટી મોનિટરિંગ માટે અલગ અલગ કંન્ટ્રોલ રૂમ તેમજ સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે તથા અમદાવાદ શહેર તથા ગાંધીનગર જિલ્લા પોલીસ એક બીજા સંકલનમાં રહે તે માટે રિપીટર થ્રુ ચેનલ ઊભી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button