પત્રકાર મિલનમાં પુરુષોત્તમ રૂપાલા નો નિખાલસ એકરાર “ભૂલ મારી જ છે “.

જ્યારે સમગ્ર દેશમાં ક્ષત્રિય આંદોલનને કારણે રાજકોટ સંસદીય બેઠક કેન્દ્રસ્થાને રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજરોજ પત્રકાર મિલન કર્યું હતું અને બહુ નિખાલસતાપૂર્વક સ્વીકાર્યું હતું કે આજે જ્યારે મતદાન પૂરું થઈ ગયું છે ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજને હું નમ્રતાપૂર્વક જણાવું છું કે જે કંઈ ભૂલ થઈ તે મારાથી થઈ છે અને તેને લીધે સમગ્ર ભારતીય જનતા પક્ષને તકલીફ પડી તેનો મને ખેદ છે. જ્યારે મતદાન પૂરું થઈ ગયું છે, પરિણામની ખબર નથી, ત્યારે ક્ષત્રિય સમાજને હું ફરી દિલગીરી વ્યક્ત કરું છું.
પુરુષોત્તમ રૂપાલાએ એવી પણ વાત કરી હતી કે ભારતીય જનતા પક્ષમાં જ્યારે મારી વાતને લોકો સહર્ષ સ્વીકારતા અને મારા ભાષણની મત પરિવર્તનમાં અસર થતી, પરંતુ મારી કારકિર્દીનો આ સૌથી કપરો કાળ સાબિત થયો. આવી મુશ્કેલી 40 વર્ષની રાજકીય, સામાજિક કારકિર્દીમાં મેં ક્યારેય અનુભવી નથી,, પરંતુ તેના માટે માત્ર ને માત્ર હું જ જવાબદાર છું પરંતુ માણસ માત્ર ભૂલને પાત્ર એટલું સમજી અને ક્ષત્રિય સમાજને ફરી એક વખત વિનંતી કરું છું કે મારી દિલગીરી સ્વીકારે.
તેમણે ક્ષત્રિય સમાજનો આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે ગઈકાલે જે શાંતિપૂર્ણ તેમનો વ્યવહાર હતો તે માટે હું ખરેખર દિલથી તેમનો આભાર માનું છું. મારા નિવેદનને કારણે અમારા પક્ષના જ કેટલાક ક્ષત્રિય આગેવાનોને પણ સાંભળવાનું થયું તેમની પણ હું માફી માગી અને દિલગીરી વ્યક્ત કરું છું.
પુરુષોત્તમ રૂપાલા સમગ્ર પ્રચાર દરમિયાન દ્વિધા અને તણાવમાં રહેતા હતા તે આજે પત્રકાર પરિષદમાં થોડા માનસિક હળવાશ અનુભવતા જોઈ શકાયા.
પત્રકારોએ પણ રાજકોટના આગામી વિકાસ માટેના પ્રશ્નો પૂછ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા સાહેબે પણ વિકાસની યાત્રા આગળ વધારવાની ખાતરી આપી હતી.
પાંચ લાખની લીડ માટેની શરૂઆતમાં જે વાત હતી તે પ્રચારના છેલ્લા દિવસોમાં ક્યાંય ઉલ્લેખ થયો ન હતો. તે સંદર્ભે પરસોત્તમભાઈ રૂપાલ એ કહ્યું કે આવું ટાર્ગેટ મેં ક્યારેય બાંધ્યું ન હતું.
ઓછા મતદાનનો લાભ કોને થઈ શકે તેવા પ્રશ્નના ઉત્તરમાં તેઓ જણાવ્યું હતું કે ઓછું મતદાન બંને પક્ષોને નુકસાન કે ફાયદો કરી શકે.
આમ પત્રકારો સાથે રાજકીય કરતા પોતાની વ્યથા ક્ષત્રિય સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન વધારે હતો અને તેમાં સત્યનો અવાજ જણાતો હતો.