મને મારી ઉમેદવારી પાછી ખેંચવા દોઃ પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હાઈ કમાન્ડને? આજે ફેંસલો

અમદાવાદઃ બહુ ચર્ચિત અને ઉગ્ર બનેલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ પરષોત્તમ રૂપાલા પ્રકરણમાં હજુ આવતીકાલ સુધી કંઈક નવા જૂની થવાના એંધાણ છે. કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરતા માહોલ બગડ્યો હતો. જોતજોતામાં આ વિવાદે એટલી આગ પકડી લીધી કે ભાજપ માટે ડેમેજ કન્ટ્રોલ પણ અઘરું બની ગયું. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની હઠ પકડી છે અને તે પૂરી ન થાય તો વધારે ઉગ્ર આંદોલન કરવાની તેમ જ ચૂંટણીમાં ભાજપને સમર્થન ન આપવાની ચીમકી આપી છે. માત્ર રાજકોટની બેઠકની વાત કરીએ તો અહીં પટેલ મતોનું વર્ચસ્વ હોવાથી બેઠક હાથમાંથી જાય તેવી સ્થિતિ નથી, પરંતુ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ક્ષત્રિયોની નારાજગી ભાજપને પાલવે તેમ નથી.
આવી સ્થિતમાં આવતીકાલે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રૂપાલાએ દિલ્હી ખાતે હાઈ કમાન્ડને ઉમેદવારી પરત ખેંચવાનો સંદેશ મોકલ્યો છે. આ વિવાદને લીધે કલમ 370ને હટાવવા અને રામ મંદિર જેવા મુદ્દાઓ બાજુએ રહી ગયા છે. આ સાથે આ આંદોલન હિંસક બને તેવી શક્યતા છે, તેવી રજૂઆત રૂપાલાએ કરી હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારથી ગુજરાતમાં છે અને તેમણે બેઠકો લઈ સ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠક અનુસાર રૂપાલાએ બે વાર માફી માગી તે કાફી છે, તેમ નક્કી થયું છે. તેનો મતલબ એ પણ થઈ શકે કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાના મૂડમાં હાઈ કમાન્ડ નથી. આજે ગુરુવારે દિલ્હી ખાતે ભાજપના સંસદીય દળની બેઠક છે અને તેમાં ફરી આ મુદ્દે ચર્ચા થશે અને આખરી નિર્ણય લેવાશે.
આવતીકાલે ત્રીજા તબક્કાના મતદાન માટે એટલે કે 7 મેના રોજ યોજાનારા મતદાન માટેની ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લો દિવસ છે. રવિવારે રાજકોટ પાસેના રતનપર ખાતે ચારેક લાખ ક્ષત્રિયોએ મહાસમંલેન યોજ્યું હતું જેમાં રૂપાલાને 19મી એપ્રિલનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જો રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં નહીં આવે તો ક્ષત્રિયો વધારે આક્રમક બને અથવા ગુજરાતની આઠ સહિત દેશની ક્ષત્રિય સમાજવાળી બેઠક પર અસર થાય તેવી સંભાવના છે.
બીજી બાજુ રૂપાલાએ તમામ વિવાદો વચ્ચે વાજતેગાજતે ઉમેદવારીપત્ર ભરી શક્તિ પ્રદર્શન કર્યું છે. રૂપાલા પટેલ સમાજના છે. તેમની જગ્યાએ પટેલ ઉમેદવાર વર્તમાન સાંસદ મોહન કુંડારીયાને ટિકિટ આપવામાં આવે તો પણ ક્યાંક પટેલ સમાજમાં નારાજગી પેદા થાય તેમ છે અને આ પક્ષ માટે પણ અઘરો નિર્ણય છે. આથી ભાજપ શું નિર્ણય લે છે અને તેના પડઘા શું પડે છે તે માટે આવતીકાલનો દિવસ ખૂબ જ નિર્ણાયક બની રહેશે.
આ મામલે પરસોત્તમ રૂપાલા સાથે સીધી વાતચિત થઈ શકી નથી .