અમેરિકામાં વર્ક પરમીટ અપાવવાના નામે પંજાબમાં ૨૭ લાખની છેતરપિંડીનો આરોપી ભુજથી દબોચાયો…

ભુજઃ અમેરિકામાં કાયમી સ્થાયી થવાના નામે પંજાબના જલંધરમાં રહેતા યુવક સાથે ૨૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા શખ્સને પંજાબ પોલીસે સરહદી કચ્છના મુખ્ય મથક ભુજ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : સુરતના કોસંબામાં તસ્કરો 6 બેંક લોકર તોડીને 49 તોલા સોનું અને નવ લાખ રોકડા ચોરી ગયા
શું છે મામલો
આ છેતરપિંડીના બનાવ અંગે પંજાબના જલંધર ગ્રામ્યના એનઆરઆઈ પોલીસ મથકમાં ગત ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ અમરસિંઘે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં અમેરિકામાં કાયદેસર અથવા ગેરકાયદેસર સ્થાયી થવા માટે એજન્ટ તરીકે કામ કરતા મૂળ મુંબઈના જયંતીલાલ રામજી ભાવસાર (રહે. મુંબઈ)નો સંપર્ક થયો હતો.
૪૫ દિવસની અંદર વર્ક પરમીટ આવી જશે કહી માંગ્યા પૈસા
જયંતીલાલ કાયદેસર રીતે અમેરિકામાં સ્થાઈ થવા પ0 લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું તેમજ તેમના પુત્ર હેમંતે હાલમાં જ એક પરિવારનું કામ કરી દીધાનું કહી તેનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. હેમંતે ભોગ બનનારને ૪૫ દિવસની અંદર વર્ક પરમીટની વ્યવસ્થા કરી આપવાના નામે ૧૦ લાખ રૂપિયા માંગ્યા હતા. નાણાં આપ્યા બાદ વધુ ૨પ લાખની માગણી કરાઈ હતી, જેની સામે ૧૭ લાખ રૂપિયા આપ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતને મળી મોટી ભેટ, આણંદમાં બનશે દેશની પ્રથમ કો ઑપરેટિવ યુનિવર્સિટી
પૈસા મળતાં જ ફોન કરી દીધો બંધ
એકાદ પખવાડિયામાં કામ થઈ જશે તેવું કહ્યા બાદ આરોપી ફોન બંધ કરી અન્ડરગ્રાઉન્ડ થઇ જતાં ૨૭ લાખની છેતરપિંડી અંગે હેમંત અને તેના પિતા જયંતીલાલ ભાવસાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જલંધર પોલીસે આરોપીઓનું પગેરું દબાવતાં હેમંત હાલ ભુજમાં નવી રાવલવાડી, નરસિંહ મહેતાનગરમાં રહેતો હોવાની વિગતો મળતાં શુક્રવારે પંજાબ પોલીસ હેમંતને રાઉન્ડઅપ કરી ભુજની કોર્ટમાં રજૂ કરી ટ્રાન્સફોર્મ વોરંટના આધારે પંજાબ લઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.