ગુજરાતની કોલેજોમાં વિદ્યાર્થી રાજકારણનો અંત, વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર
વિદ્યાર્થીકાળમાં નેતા બનીને કોલેજમાં સત્તા સ્થાપવાની મહત્વાકાંક્ષા સેવતા વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક કહી શકાય એવા સમાચાર છે. ગુજરાતની કોલેજોમાં સેનેટ-સિન્ડીકેટની પ્રથા હવે ભૂતકાળ બની જશે.
આજે ગુજરાત વિધાનસભામાં પબ્લિક યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યુ છે. જેનો સીધો અર્થ એ થાય છે કે 11 જેટલી પબ્લિક યુનિવર્સિટીમાં એકસમાન કાયદા અને નિયમ લાગુ પડશે. આ 11 યુનિવર્સિટીઓમાં ગુજરાત યુનિવર્સિટી, વડોદરાની એમ.એસ યુનિવર્સિટી, સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી, ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ., કચ્છ યુનિવર્સિટી, જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ., ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓનો આ એક્ટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો નથી.
આ યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી બિલ હેઠળ એકસમાન જોગવાઇઓ રહેશે, જેમાં યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે, યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે. અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં ૩૩% મહિલા સભ્યોની જોગવાઈ કરાઇ છે. જો કે યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે. ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરું કરવા માટે સ્વાયત્ત રહેશે.
આ એક્ટ અંગે વિધાનસભામાં સતત 5 કલાક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા. સત્તાપક્ષ દ્વારા બિલની તરફેણમાં દલીલો કરવામાં આવી હતી. વિરમગામથી ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વિદેશ અભ્યાસ જનાર વિદ્યાર્થીઓને આ બિલથી લાભ થવાનો છે. આ બિલથી પૈસાથી એડમિશન કરતાં તમામ વિદ્યાર્થી નેતાઓની દુકાનો બંધ થવાની છે. પહેલાં એક યુનિવસિટીમાંથી બીજી યુનિવર્સિટી જવા માટે એનઓસી જોઇતી હતી. હવે એનઓસી લેવાની જરૂર નહીં રહે. તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સૂચનોનું અમલીકરણ સારી રીતે થઇ શકશે. જ્યારે કોંગ્રેસે આ બિલ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્યોએ જણાવ્યું હતું કે આ બિલને કારણે વિદ્યાર્થી રાજકારણનું અસ્તિત્વ નાબૂદ થઇ જશે. સ્ટુડન્ટ યુનિયનોનો અંત આવશે. સરકાર દ્વારા યુનિવર્સિટીમાં માનીતા લોકોની હવે નિમણૂક થશે, આ બિલથી 11 યુનિવર્સિટીમાં એકેડેમિક, ફાઇનાન્સ ઓટોનોમસ બોડી ખતમ થઈ જશે. ભરતી-નિમણુંક મામલે યુનિવર્સિટીની સ્વાયત્તા સંપૂર્ણપણે ખતમ થઈ જશે.