આપણું ગુજરાત

પી.ટી. જાડેજાની ‘પાસા’ હેઠળ ધરપકડ: ક્ષત્રિય સમાજ મેદાનમાં, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ઝડપી નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

અમદાવાદ/વડોદરાઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી. ટી. જાડેજાની સામાન્ય કેસમાં પાસા (Prevention of Anti-Social Activities) જેવી કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી હતી, જેથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અમદાવાદ અને વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા કલેક્ટરને મળીને આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે, પી. ટી. જાડેજા સામે લગાવેલા આરોપો ખોટા છે. ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી છે, જો જલ્દીથી નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અમદાવાદ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપી અને ક્ષત્રિય સમાજના આગેવાને જણાવ્યું હતું કે, સૌ ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈ-બહેનો પી.ટી. જાડેજાની એકાએક સામાન્ય કેસમાં પાસા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે, તે બાબતનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ. સરકાર દ્વારા ક્ષત્રિય સમાજને સતત અન્યાય થઇ રહ્યો છે, એવી લાખો ક્ષત્રિયોમાં લાગણી પેદા થઈ છે. તેઓને તાત્કાલિક છોડી મૂકવા અમારી આગ્રહભરી વિનંતી અને માંગણી છે. સમગ્ર રીતે આ કેસ બનાવટી ઊભો કરીને ખોટા પાસા લગાવવામાં આવ્યા છે, જે રદ્દ થવાને પાત્ર છે. જો સરકાર દ્વારા આ રદ્દ કરવામાં નહી આવે તો સ્પષ્ટ કિન્નાખોરી સાબિત થશે. જેની નોંધ ક્ષત્રિય સમાજ લેશે. જે સરકાર અને સતા પક્ષ બંનેની લાંબા ગાળાના હિત વિરૂદ્ધ થશે.

‘પાસા’માંથી મુક્ત કરવા કલેકટર સમક્ષ માંગ

બીજી તરફ વડોદરામાં પણ રાજપૂત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વડોદરા શહેર જિલ્લાના વિવિધ રાજપૂત સમાજના બનેલા ગુજરાત રાજપૂત સેના સમાજની આગેવાનીમા પ્રમુખ, મંત્રીઓ સહિત હોદ્દેદારો રેલીરૂપે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી. જાડેજાને ‘પાસા’માંથી મુક્ત કરવા કલેકટર સમક્ષ માંગ કરી હતી.

શું છે મામલો

રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં મહા-આરતી નહીં કરવા માટે પી.ટી. જાડેજાએ ધમકી આપી હોવાનો આરોપ છે. એના અંગેની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેમાં તેઓ ધમકી આપતા સંભળાય છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે રાજકોટ પોલીસે 4 જુલાઈ, 2025ના રોજ રાત્રે તેમની પાસા હેઠળ ધરપકડ કરી હતી અને તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button