ગુજરાત સરકારની તિજોરી છલકાઈ: સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીની આવક ₹13,699 કરોડને પાર

અમદાવાદ: ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી રહ્યા છે. જેના કારણે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવકમાં 7 ટકાનો વધારો થયો હતો. એપ્રિલ-ડિસેમ્બર 2025 સમયગાળા દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવક ₹13,699 કરોડ પર પહોંચી હતી. જે ગત વર્ષના સમાનગાળા દરમિયાન ₹12,821 કરોડ હતી.
નાણાકીય વર્ષના અંતે કેટલી થઈ શકે છે આવક
સૂત્રો મુજબ, મિલકત નોંધણીના કારણે થતી આવક નાણાકીય વર્ષ 2025-26માં ₹19,800 કરોડના બજેટ લક્ષ્યાંકને વટાવી જવાની અપેક્ષા છે. પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનના ઊંચા મૂલ્યના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સૂત્રો મુજબ, 2023માં સરકાર દ્વારા જંત્રીના દરમાં કરાયેલા 100 ટકા વધારાને બજારે સ્વીકારી લીધો છે, જેની સીધી અસર સરકારની વધેલી આવકમાં દેખાઈ રહી છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2024-25માં આ આવક ₹14,706 કરોડ હતી, જે 2023-24માં ₹13,731 કરોડ નોંધાઈ હતી.
હોમ લોન થઈ સસ્તી
વિવિધ શહેરોમાં જમીનના મોટા સોદા થવાથી આવકમાં મોટો હિસ્સો ઉમેરાયો છે. આ ઉપરાંત RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવતા હોમ લોન સસ્તી થઈ છે, જેના કારણે ખાસ કરીને નવરાત્રી પછી રેડી ટુ મૂવ મકાનોની માંગમાં વધારો થયો છે. તેમજ અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની જાહેરાતને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૂત્રો મુજબ, એવી શક્યતા છે કે રાજ્ય સરકાર 2026માં સુધારેલી ‘વૈજ્ઞાનિક જંત્રી’ અમલમાં લાવશે. આથી, નવા દર લાગુ થાય તે પહેલાં વધુ ને વધુ લોકો નાણાકીય વર્ષના અંત સુધીમાં તેમના પ્રોપર્ટી સોદા પૂર્ણ કરી લેશે, જેનાથી સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં હજુ પણ વધારો થશે.



