Loksabha Election 2024 : ગુજરાતના બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ચૂંટણી સભા ગજવશે પ્રિયંકા ગાંધી
ગુજરાતમાં 7 મેના રોજ 25 લોકસભા બેઠક માટે મતદાન યોજાશે. મતદાનને લઇને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે પીએમ મોદીના બે દિવસ ગુજરાત પ્રવાસ બાદ હવે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી બીજી વાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. પ્રિયંકા ગાંધી 4 મેના રોજ ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે. આ પૂર્વે તેમણે 27 એપ્રિલે વલસાડથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જાહેરસભા કરી હતી. પ્રિયંકા ગાંધી પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાત આવ્યા હતા. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધશે. ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં ચૂંટણી પ્રચાર પૂરો થવાના એક દિવસ પૂર્વે પ્રિયંકા ગાંધીની આ સભાનું આયોજન કર્યું છે.
ગુજરાતની 26 બેઠકોમાંથી બનાસકાંઠા એકમાત્ર એવી બેઠક છે. જ્યાં કોંગ્રેસ અને ભાજપે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે વર્તમાન સાંસદની ટિકિટ રદ કરીને રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસ પક્ષે રાજ્યમાં પક્ષના એકમાત્ર મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર દાવ લગાવ્યો છે. પીએમ મોદીએ રાજ્યમાં કુલ છ રેલીઓ કરી હતી. પીએમ મોદીએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત બનાસકાંઠાથી કરી હતી. 1 મેના રોજ પીએમ મોદીની રેલી બાદ કોંગ્રેસ પાર્ટીએ હવે પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ નક્કી કર્યો છે.
કુલ 12 ઉમેદવારો મેદાનમાં
બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના આ ઉમેદવારો ઉપરાંત અન્ય 10 ઉમેદવારો મેદાનમાં છે. બનાસકાંઠામાં કુલ મતદારોની સંખ્યા 19.53 લાખ છે. બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજના 2.71 લાખ મત છે જ્યારે ઠાકોર સમાજના 3.43 લાખ મત છે. આદિવાસી સમુદાયના મતોની સંખ્યા લગભગ 1.72 લાખ છે. રબારી સમાજના મતોની સંખ્યા 1.58 લાખ અને ક્ષત્રિય સમાજના મતોની સંખ્યા 1.38 લાખ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં મુસ્લિમ સમાજના 96 હજાર મતો છે. આ પછી બ્રાહ્મણોના 95 હજાર અને પ્રજાપતિ સમાજના 69 હજાર વોટ છે. જ્યારે માળી અને પાટીદાર સમાજના મતોની સંખ્યા 48 અને 39 હજાર છે.