વડોદરામાં ખાનગી ફાઈનાન્સ પેઢીનું ₹ ૬.૭૦ કરોડ ઉઠમણું: બે સંચાલકની ધરપકડ
અમદાવાદ: વડોદરામાં ઊંચા વ્યાજની ઓફર કરી નાણાં પરત નહીં કરનાર ખાનગી ફાઈનાન્સ પેઢીના બે સંચાલકોને પોલીસે ઝડપી પાડ્યા છે.
વડોદરામાં પેઢીનું ખાનગી બૅન્કમાં ખાતું ખોલાવ્યા બાદ ઊંચા વ્યાજની ઓફર કરીને સિનિયર સિટીઝનો તેમજ મહિલાઓને ફોસલાવનાર પેઢીના સંચાલકોએ પાકતી મુદતે નાણા પરત નહીં કરતા રોકાણકારોમાં ઊહાપોહ મચ્યો હતો. પ્રાથમિક તબક્કે રોકાણકારોએ ગુમાવેલી રકમ રૂ.૬.૭૦ કરોડ જેટલી થાય છે.બનાવ અંગે ઇકો સેલને તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે બૅન્ક એકાઉન્ટની વિગતો મેળવી તપાસ કરતા પેઢીના નામે ખાતું ખોલાવનાર પ્રવીણચંદ્ર હરીલાલ શાહ (મહાવીર પાર્ક એસબીઆઇની પાછળ કલાદર્શન ચાર રસ્તા, વાઘોડિયા રોડ) તેમજ સુબેદારસિંહ વિક્રમા પ્રસાદસિંગ રાજપુત (રામદેવ નગર હૉસ્પિટલ પાછળ બાપોદ જકાતનાકા)ને ઝડપી પાડ્યા છે. પોલીસે આ ગુનામાં નટરાજન પૌડસ્વામી મુદલીયાર (રામદેવ નગર બાપોદ જકાતનાકા)ની શોધખોળ શરૂ કરી છે તેમજ પેઢી સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ તપાસ હાથ ધરી છે.