રક્ષિત સ્મારક ઉપરકોટને પ્રાઇવેટ કંપનીએ બનાવી દીધું આવકનું સાધન; પુરાતત્વ વિભાગે ફટકારી નોટિસ

જુનાગઢ : જુનાગઢનો ઉપરકોટનો (Junagadh Uparkot Fort) કિલ્લો ખૂબ જ પૌરાણિક છે અને આમ પણ તે રાજ્યના સંરક્ષિત સ્મારકો પૈકીનું એક છે. સરકાર રક્ષિત સ્મારકમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. જ્યારે જુનાગઢના ઉપરકોટનું રિસ્ટોરેશન કામ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લી. ને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપરકોટનું સંચાલન પણ આ જ કંપનીને સોંપી દેવામાં આવ્યું છે. પરંતુ કંપનીએ અહી કમાણી કરવાના અનેક ધંધાઓ શરૂ કરી દિધા છે. રક્ષિત સ્મારકની અંદર કંપનીએ ફૂડ ઝોન, ગેમ ઝોન, પ્રીવેડિંગ શૂટિંગ, સાયકલિંગ તેમજ અન્ય ઘણી ચીજવસ્તુઓના વેચાણની દુકાનો પણ ખોલવામાં આવી છે.
રાજકોટમાં સર્જાયેલ દુર્ઘટના બાદ રાજ્યના અનેક શહેરોમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે જુનાગઢ તંત્રએ પણ તપાસ કરી હતી ત્યારે ઉપરકોટના કિલ્લામાં પણ ગેરકાયદેસર ગેમઝોન ચાલતી હોવાની પણ હકીકતથી તંત્ર વાકેફ થયું હતું. ત્યારબાદ તંત્રએ તેણે સીલ મારી દીધું હતું. રાજ્યના રક્ષિત સ્મારકમાં થતી આવી ગેરકાયદેસર પ્રવૃતિ ખૂબ જ ગંભીર છે.
રક્ષિત સ્મારકમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો એ કાયદા દ્વારા પ્રતિબંધિત છે. આવા રક્ષિત સ્મારકની આસપાસ બાંધકામમાં પણ ફેરફાર કરવો હોય તો પણ ખૂબ કડક નિયમો છે. પરંતુ અહી તો રક્ષિત સ્મારકની અંદર જ ગેરકાયદેસર પ્રવૃતિઓનો ધમધમાટ ચાલતો હતો.
ઉપરકોટના કિલ્લાની અંદર કંપની દ્વારા અનેક ધંધાઓ શરૂ કરીને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. જેમાંથી સરકારને એકપણ રૂપિયો મળતો નથી. કિલ્લાની તમામ જવાબદારીઓ પુરાતત્વ વિભાગની છે પરંતુ કંપનીના મેનેજરે દાવો કર્યો હતો કે કંપનીએ આ તમામ પ્રવૃતિઓ માટે ટુરિઝમ વિભાગ પાસેથી મંજૂરી મેળવી હતી. આ બાદ પુરાતત્વ વિભાગે નોટિસ પણ ફટકારી છે.
Also Read –