અમદાવાદની સાબરમતી જેલમાંથી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતો કેદી ફરાર થઈ જતાં ચકચાર
અમદાવાદઃ લૉરેન્સ બિશ્નોઈ જેવા ખુંખાર કેદીઓને સાચવતી અમદાવાદની સાબરમતી જેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. જેલમાંથી આજીવન કેદની સજા કાપતો કેદી ફરાર થઈ ગયો હતો. ફરાર કેદી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર બાબુભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી બીમાર હોવાથી તેને જેલની હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. આ દરમિયાન તે પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. મનુજી ઠાકોર નામનો આરોપી હારીજમાં હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો. જેને લઈને રાણીપ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
હત્યા મામેલ આજીવન કેદની સજા કાપી રહેલા કેદી મનુજી ઠાકોરની તબિયત ખરાબ થઈ હતી. જેથી તેને કોન્સ્ટેબલ પ્રદ્યુમન સિંહ ચૌહાણ સાથે સાંજે 4.45 કલાકે સેન્ટ્રલ જેલ બહાર આવેલી જેલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. સારવાર માટે ગયેલો કેદી સાંજે 5.30 પરત નહીં ફરતાં તેણે આ અંગે જેલરને જાણ કરી હતી. જે બાદ જેલમાં બંધ કેદીઓની સંખ્યા ગણવામાં આવી હતી. ખુલ્લી જેલમાં 14 કેદી રાખવામાં આવ્યા હતા, પરંતુ ગણતરીમાં 13 જ મળ્યા. જે બાદ જેલરે કેદી મનુજી ઠાકોર લાપતા હોવાથી સૂચના જેલના ડેપ્યુટિ સુપ્રીટેંડેંટ અને સીનિયરને આપી હતી. આખરે સેન્ટ્રલ જેલ દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
Also read: અમદાવાદની સાબરમતી જેલમા એક કેદીએ બીજાનું ઢીમ ઢાળી દીધું ! જેલમાં જ હત્યાથી ઉઠ્યા સવાલ
બે દિવસ પહેલાં રાજકોટમાં જેલમાં બંધ આરોપીના કેસની ટ્રાયલ શરુ થતાં પોલીસ જાપ્તા સાથે અમદાવાદ ખાતે આવેલી સિટી સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે પાકા કામનો આ આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. રાજકોટ જેલમાં બંધ રાધેશ્યામ ઉર્ફે ગોપાલ ઉર્ફે કુલદીપ રાજદેવ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પોક્સો ઍક્ટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધાયો બતો. કોર્ટની કાર્યવાહી પૂરી થતાં તેને રાજકોટ લઈ જવાની તૈયારી ચાલી રહી હતી. ત્યારે લાલ દરવાજા પાસે ભીડનો લાભ લઈને ફરાર થઈ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધ્યો હતો..