ફરી શિક્ષણ જગતને કલંક: પાટણમાં શાળાના આચાર્યએ બાળકીઓ સાથે કર્યા શારીરિક અડપલાં
પાટણ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આખા શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. દાહોદમાં શાળાના આચાર્યએ જ દીકરીની સાથે શારીરિક અડપલાંના પ્રયત્નો કર્યા બાદ તેની હત્યા, વળી તાજેતરમાં લોધિકાની શાળામાં શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ કરેલા આપઘાતની ઘટના બાદ પાટણથી વધુ એક ઘટના બની છે કે જ્યાં એક શાળાના આચાર્ય પર જ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાંનો આરોપ લાગ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લાની દુનાવાડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી સાથે શાળાના આચાર્યએ જ શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જો કે શાળાના આચાર્યે અનેક વિદ્યાથીનીઓ સાથે છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દીકરીઓએ ઘરે જઇને પરિવારજનો જાણ કરતાં આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ પણ વાંચો : ઈન્સ્ટા રીલના કારણે 20 દિવસથી લાપત્તા બાળકનો પરિવારથી ભેટો!
સમગ્ર મામલાની પરિવારને જાણ થતાં જ હારીજ પોલીસ મથકે આચાર્ય પ્રવીણ ભલાભાઇ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આચાર્ય વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાના અને પરીક્ષાને લઈને ધમકીઓ પણ આપતો હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.