ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ-શૉનું ૯મી જાન્યુ.એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ની પૂર્વસંધ્યાએ ગાંધીનગરમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શૉનું તારીખ ૯ જાન્યુઆરીના રોજ સાંજે ૩ કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
ટ્રેડ શોના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. આ ગ્લોબલ ટ્રેડ શૉ તારીખ ૧૦-૧૧ જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તારીખ ૧૨-૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
૧૦મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શૉમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ ૨૦ દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે ૧,૦૦૦થી વધુ પ્રદર્શકો સહભાગી થશે જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલાં સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શૉમાં વિઝિટિંગ તરીકે ૧૦૦ દેશો જ્યારે પાર્ટનર તરીકે ૩૩ દેશો ભાગ લઈ રહ્યા છે.
આ ટ્રેડ શૉમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ, ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો, નવીનીકરણીય ઊર્જા, સેમિક્ધડક્ટર, ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઇ, મશીન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શૉના આકર્ષણનાં કેન્દ્રો રહેશે. ટ્રેડ-શોમાં કુલ વિસ્તારનું ૧૦૦ ટકા બુકિંગ પૂર્ણ થયું છે. આ ઉપરાંત ટ્રેડ શૉમાં કુલ-૧૩ હોલમાં ‘મેઈક ઇન ગુજરાત’, ‘આત્મનિર્ભર ભારત’ સહિત વિવિધ ૧૩ થીમ નક્કી કરાઇ છે. વડા પ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે ૪૫૦ એમએસએમઇ એકમો સહભાગી થઈ રહ્યા છે.