વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગાંધીનગરમાં તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ હોર્ટા સાથે બેઠક યોજાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: તિમોર-લેસ્ટેના પ્રમુખ મહામહિમ ડો. જોસ રામોસ હોર્ટા ગાંધીનગરમાં ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ હોર્ટા ગાંધીનગરમાં મળ્યા હતા. ગુજરાતમાં ટ્રેડ શોનું ઉદઘાટન કરતા પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ હોર્ટા સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બન્ને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષી અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી.
વડા પ્રધાને રાષ્ટ્રપતિ હોર્ટા અને તેમના પ્રતિનિધિમંડળ ને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો. વડા પ્રધાને જીવંત “દિલ્હી-દીલી જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરી હતી.
સપ્ટેમ્બર ૨૦૨૩માં, તેમણે દેશમાં ભારતીય મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ક્ષમતા નિર્માણ, માનવ સંસાધન વિકાસ, આઇટી, ફિનટેક, ઊર્જા અને પરંપરાગત ચિકિત્સા અને ફાર્મા સહિત હેલ્થકેરમાં તિમોર-લેસ્ટેને સહાયની ઓફર કરી હતી. તેમણે તિમોર-લેસ્ટને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું. તેમણે તિમોર-લેસ્ટ ને તેના ૧૧માં સભ્ય તરીકે સ્વીકારવાના આસિયાનના સૈદ્ધાંતિક નિર્ણય બદલ રાષ્ટ્રપતિ હોર્ટાને અભિનંદન પાઠવ્યા હતા અને ટૂંક સમયમાં જ સંપૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ હોર્ટાએ સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો.
તેમણે ભારતની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ પૂર્ણ કરવા, ખાસ કરીને આઇટીમાં હેલ્થકેર અને ક્ષમતા નિર્માણનાં ક્ષેત્રોમાં ભારત પાસેથી ટેકો માગ્યો હતો. બંને નેતાઓ એ ઈન્ડો-પેસિફિકમાં પ્રાદેશિક મુદ્દાઓ અને વિકાસ પર પણ ચર્ચા કરી હતી.