વડા પ્રધાન મોદીનો ૧૭મી ડિસેમ્બરે ગુજરાતનો સૂચિત પ્રવાસ
સુરતમાં ડ્રીમ સિટી બુર્સનું ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૭મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે અને સુરતના ડ્રિમસિટી હીરા બુર્સનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. તેમજ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું અનાવરણ કરશે. તથા ૧૫ માળના બુર્સ ટાવરમાં ૪૫૦૦ ડાયમંડ ટ્રેડર્સની ઓફિસો છે. કાર્યક્રમ મુદ્દે હજુ પીએમઓ તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લો ૩૦-૩૧ ઓક્ટોબરે ગુજરાત આવ્યા હતા. વડા પ્રધાન મોદી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં તા.૧૭મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમ સિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે, સાથોસાથ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું પણ અનાવરણ કરે તેવી સંભાવના છે. ડ્રીમ સિટી- હીરા બુર્સનું ૬૬ લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ ૩૫.૫૪ એકરની વિશાળ જગ્યા ઉપર તૈયાર થઈ ચૂક્યું છે અને ગત ધનતેરસથી ઉદ્ઘાટનની પ્રતીક્ષામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંદર માળના નવ ટાવર ધરાવતા આ બુર્સમાં અંદાજે ૪,૫૦૦ ડાયમંડ ટ્રેડિંગની ઑફિસો પૈકી કેટલીક ઑફિસો જોકે લાભપાંચમથી શરૂ થઈ ચૂકી છે. એક તરફ અમેરિકામાં મંદી અને રશિયા-યુક્રેન યુદ્ધને પગલે લગાવાયેલા પ્રતિબંધોને કારણે રાજ્યનો હીરા ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી માંદગીમાં પડયો છે, એવા સમયે સુરત હીરા બુર્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અલબત્ત, સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળો કહે છે કે, રફ હીરાની રશિયાની મોટામાં મોટી કંપની અલરોઝા ઉપર અમેરિકા તથા યુરોપિયન યુનિયને લગાવેલા પ્રતિબંધની રાજ્યમાં ૧૦-૧૫ ટકા અસર છે, કેમ કે અલરોઝાનો પાતળી સાઇઝનો માલ ઘસાવવા માટે સુરત અને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં આવે છે, પરંતુ બીજી તરફ છેલ્લા બે અઢી વર્ષથી રાજ્યમાં હોંગકોંગ તરફથી મોટો બિઝનેસ મળી રહ્યો છે, જેમાં સીડી તથા હાઇ ટેમ્પરેચર હાઇ પ્રેશર એમ પ્રકારના હીરાનો કારોબાર રાજ્યમાં થઈ રહ્યો છે.