પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજન બનશે વધુ પૌષ્ટિક; સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગર: રાજ્યની સરકારી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે.
41 લાખ વિદ્યાર્થીઓને લાભ
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાના નામથી શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે. રાજ્યના આદિજાતિ વિસ્તારના 52 તાલુકા તથા બિન આદીજાતિ વિસ્તારના 29 વિકાસશીલ તાલુકાની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના અન્વયે 200 મિલિગ્રામ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે.
Also read:પ્રાથમિક શાળાઓ માટે મહારાષ્ટ્ર સરકારે જારી કર્યો પરિપત્ર, જાણો શું છે?
પોષણક્ષમ આહારનો થશે સમાવેશ
આવા 81 તાલુકાઓની 12,522 શાળાઓમાં નોંધાયેલા 15.05 લાખ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણના બપોરના ભોજન પછીની નાની રિસેસમાં આ પૌષ્ટિક અલ્પાહાર અપાશે. રાજ્ય સરકાર દ્વારા સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓ વધુ સુદ્રઢ કરીને તેનો વ્યાપ વિસ્તારવા આ પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પી.એમ. પોષણ યોજના હેઠળ વિદ્યાર્થીઓને અપાતા કેલરી-પ્રોટીનયુક્ત ગુણવત્તાસભર બપોરના ભોજન ઉપરાંત આ નવી યોજનામાં સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
Also read:ફરી શિક્ષણ જગતને કલંક: પાટણમાં શાળાના આચાર્યએ બાળકીઓ સાથે કર્યા શારીરિક અડપલાં
મધ્યાહન ભોજન સ્ટાફ હેલ્પરના વેતનમાં વધારો
આ હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રૂ. 493 કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને 50 ટકા માનદવેતન વધારા માટે રૂ. 124 કરોડ મળીને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” માટે સમગ્રતયા વાર્ષિક રૂ. 617 કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તદ્અનુસાર, પી.એમ. પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે રૂ. 4500નું માસિક માનદવેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ. 9750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.1500 માનદવેતન આપવામાં આવશે.