રાજ્યમાં 4400 હેક્ટર ગોચર વિસ્તારમાં દબાણો: પશુધનની જગ્યા છીનવાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભાજપના સરકારના મોવડીઓ ગોપ્રેમી હોવાના દાવા કરે છે, પરંતુ રાજ્યમાં 4420 હેક્ટર ગોચર જમીન વિસ્તારમાં ગેરકાયદે દબાણો થયા છે અને જમીન ખુલ્લી કરાવી શક્યા નથી.
રાજ્ય સરકાર કેટલાક વિસ્તારમાં બુલડોઝર ફેરવે છે અને કોઇપણ ખૂણામાં સરકારી જગ્યા પર દબાણ હશે તે દૂર કરાશે તેવા દાવા કરાય છે, પરંતુ ગોચર જમીન ઉપર વર્ષોથી દબાણ થતા આવ્યા છે અને દૂર કરાય છે છતાં સેંકડો હેક્ટર જમીન ઉપરના દબાણો યથાવત્ રહે છે.
રાજ્યમાં ડાંગ જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં નાનાથી મોટાપાયે ગોચરની જમીન ઉપર દબાણ છે. જે જગ્યા ગાય સહિતના પશુધનને ચરવા માટેની છે તેમાં દબાણો થઇ જાય ત્યાં સુધી તંત્ર કેમ જાગતું નથી તે સવાલ ગ્રામ્યજનો અને ગોપ્રેમીઓ કરી રહ્યા છે.
સરકારે એવો દાવો કર્યો છે કે, વર્ષ 2020-21માં 381.92.17 હેક્ટર આરે.પ્ર. વિસ્તારમાં 2021-22માં 627.68.67 હેક્ટર આરે.પ્ર. વિસ્તારમાં અને 2022-23માં 343.28.13 હેક્ટર આરે.પ્ર. વિસ્તાર મળીને કુલ 1352.88.97 હેક્ટર આરે.પ્ર. વિસ્તારમાંથી દબાણો હટાવાયા હતા. તેમ છતાં માર્ચ-2023ની સ્થિતિએ રાજ્યમાં 4420 હેક્ટર ગોચર વિસ્તારમાં ગેરકાયદે દબાણો હોવાની માહિતી બહાર આવી છે.
ગોચરમાં ગેરકાયદે દબાણોના કારણે રાજ્યના અનેક ગામ એવા છે જેમાં ગોચર બચ્યું જ ન હોવાથી પશુપાલકો માટે તેમના પશુધનને ચરાવવા માટે ક્યાં લઇ જવા તે પ્રશ્ન ઉભો થયો છે. સૌથી વધુ પશુપાલન વ્યવસાય કરતા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો છે, છતાં સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ ગોચર પર દબાણો છે.
આ સંજોગોમાં પ્રજાના પ્રતિનિધિઓ પણ શું ફરજ બજાવી રહ્યા છે તે પ્રશ્ન છે. ગોસેવા અને ગોચર વિકાસ બોર્ડમાં નવી નિમણૂકોના અભાવે છેલ્લા કેટલાક સમયથી તેની કામગીરી કથળી ગઇ હોય તેવી છે.
તંત્ર દ્વારા રાજ્યમાં અનેક વિસ્તારમાં બુલડોઝર ચલાવી કે અન્ય રીતે ગેરકાયદે દબાણો દૂર કરાય છે, પરંતુ ગોચર વિસ્તાર અગત્યનો હોવાથી તેમાં પણ તેવી કાર્યવાહી કરાય તેવી પશુપાલકોની માગણી છે. ઉ