ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં ડિસેમ્બરમાં ગરીબ કલ્યાણ મેળાની તૈયારી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: લોકસભા ચૂંટણી ૨૦૨૪ની આગામી ફેબ્રુઆરી-માર્ચમાં મુખ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થાય એ પૂર્વે ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારે કેન્દ્ર તથા રાજ્યની વિવિધ યોજનાઓના મહત્તમ લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચે એના માટે વિવિધ આયોજનો શરૂ કર્યા છે, તેના ભાગરૂપે આગામી શિયાળુ એટલે કે રવિ વાવેતર પૂર્વે ખેડૂતોને કૃષિ અને પંચાયત વિભાગની યોજનાઓના લાભો પહોંચાડવા ૨૪-૨૫ નવેમ્બર એમ બે દિવસ દરમિયાન કૃષિ મેળાઓનું આયોજન કરાયું છે. સાથોસાથ ડિસેમ્બરમાં કરોડો રૂપિયાના લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને આપવા રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થાય એના માટે ખેતર સુધી વીજળી અને પાણી પહોંચાડવા સાથે કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનમાં ખેડૂતો વાવેતર કરતા થાય એના માટે કૃષિ મહોત્સવ તથા ગરીબ-મધ્યમ વર્ગને સીધા સરકારી યોજનાઓનાં લાભો-સાધનો આપવા માટે ગરીબ કલ્યાણ મેળા યોજવાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી હતી. આ બંને કાર્યક્રમોને સમયાનુસાર થોડાક ફેરફાર સાથે હાલની સરકારે પણ ચાલુ રાખ્યા છે. તાજેતરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને રાજ્ય પ્રધાન બચુ ખાબડની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ૨૪-૨૫ નવેમ્બર એમ બે દિવસ કૃષિ મેળા યોજવાનો નિર્ણય લેવાયો હતો.