આપણું ગુજરાત

ગુજરાતમાં લોકસભા-૨૦૨૪ની ચૂંટણીની તૈયારી: ઑક્ટોબરથી ઇવીએમનુ ચેકિંગ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: દેશમાં સંભવત: મે ૨૦૨૪માં યોજોનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે જેના ભાગરૂપે ગુજરાતમાં પણ પોલીંગ સ્ટાફની તાલીમ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની વ્યવસ્થા ઊભી કરાઇ રહી છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ ૩જી ઑક્ટોબરથી શરૂ થશે અને આ કામગીરી લગભગ એક મહિનો ચાલશે. આ એફએલસીની તાલીમ અને માર્ગદર્શન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વ્રારા ગત મંગળવારે તમામ ૩૩ જિલ્લાના કલેક્ટરો યાને જિલ્લા ચૂંટણી અધિકારીઓ, અધિક-નાયબ ચૂંટણી અધિકારીઓ તથા એફએલસી સુપરવાઇઝર્સ માટે એક દિવસીય વર્કશોપ યા ેજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય ચૂંટણીપંચના ઉપસચિવ ઓ. પી. સહાની તથા સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ. બી. પટેલ હાજર રહ્યાં હતા.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ એફએલસીના મહત્ત્વ ઉપર ભાર મૂકી ઇવીએમના કેટેગરી મુજબ સ્ટોરેજ, ઇવીએમ વેરહાઉસની સુરક્ષા તેમજ ઇવીએમના ટ્રાન્સ્પોર્ટેશન તથા શિફ્ટિંગ સમયે અનુસરવાની પદ્ધતિ તેમ જ ચૂંટણી પૂર્વે-ચૂંટણી સમયે- મતગણતરી સમયે અનુસરવાના પ્રોટોકોલ વિશે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારીએ ફર્સ્ટ લેવલ ચેકિંગ, રેન્ડમાઇઝેશન, કમિશનિંગ તથા વિતરણ સમયે નિયત કાર્યપદ્ધતિ ફોલો કરવા પણ જણાવ્યું હતું. ઇવીએમના મેન્યુફેક્ચરિંગ ફીચર્સ, તેની પારદર્શિતા, તેનું સંચાલન, મોક પોલ, ઇવીએમ મેનેજમેન્ટ સિસ્ટમ, વિવિધ અધિકારીઓની જવાબદારી અંગે પણ સમજણ અપાઈ હતી.

ગુજરાતની લોકસભાની ચૂંટણી માટે એક મહિના પહેલાં કેન્દ્રીય ચૂંટણીપંચે ‘બેલ’ની બેંગ્લુરુ ફેક્ટરી ખાતેથી મેળવીને ૫૯૦૦ બેલેટ યુનિટ, ૫૯૦૦ કંટ્રોલ યુનિટ તથા ૫૯૦૦ વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ-વીવીપેટ મોકલ્યા છે. આ જથ્થા સહિત હવે ગુજરાતની ચૂંટણીપંચની કચેરી પાસે કુલ ૯૧,૭૩૦ બીયુ, ૭૭,૪૫૬ સીયુ તથા ૮૫,૫૪૮ વીવીપેટ મશીનો ઉપલબ્ધ થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button