Gujarat માં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એકશનમાં, કડીમાં 43 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ

મહેસાણાઃ ગુજરાતમાં(Gujarat)માં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. જેમા વધુ એકવાર નકલી ઘીનો જથ્થો પકડાયો છે.મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે સ્થળ પરથી કુલ 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તેમની કિંમત રૂપિયા1.24 કરોડ છે.દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.
પામ ઓઇલ અને ફોરેન ફેટ મિક્ષ કરીને ઘી બનાવાતુ
ગુજરાતમાં સુરત બાદ વધુ એકવાર મહેસાણા જિલ્લાના કડીમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે બાતમીના આધારે મોડી રાત્રે કડી GIDCમાં આવેલા પાંચ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જે તમામ ગોડાઉન ભાડે ચાલતા હતા. પ્રાથમિક માહિતી મુજબ પામ ઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને ઘી બનાવવામાં આવતું હતું. એલસીબી દ્વારા શંકાસ્પદ ઘીના નમૂના લઇને વધુ પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ડુપ્લીકેટ ઘીની ફેક્ટરીનો માલિક હાલ ફરાર છે. જેની પોલીસે શોધવાની તાજવીજ હાથ ધરી છે.
ફૂડ વિભાગે રૂ. 1.24 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો
મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે સ્થળ પરથી 24,297 કિલો લુઝ ઘી, 4979 કિલો લુઝ પામોલિન, 8036 કિલો રિફાઇન પામોલિન અને અંદાજિત 5700 કિલો ફોરેન ફેટનો જથ્થો સિઝ કર્યો છે. કુલ 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તેમની કિંમત રૂ. 1.24 કરોડ રૂપિયા છે. હાલ ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.