ઇસ્કોન બ્રિજ અકસ્માત: આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર
20 જુલાઇની મોડીરાત્રે બેફામ કાર ભગાવી 9 લોકોને કચડી નાખનાર અને 12 લોકોને ઇજા પહોંચાડનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન હાઇકોર્ટે આજની સુનાવણીમાં મંજૂર કર્યા છે. આશરે 100 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલ જેલની બહાર આવશે. મેડિકલ સારવારના આધાર પર પ્રજ્ઞેશ પટેલને હાઇકોર્ટે જામીન આપ્યા છે.
ગુજરાત હાઇકોર્ટે પ્રજ્ઞેશ પટેલને ગુજરાત ન છોડવાની શરતે જામીન આપ્યા છે આથી તેણે તેનો પાસપોર્ટ હાઇકોર્ટમાં જમા કરાવવાનો રહેશે. પ્રજ્ઞેશ પટેલનો પુત્ર મુખ્ય આરોપી તથ્ય પટેલ હજુ જેલમાં છે.
જ્યારે ઇસ્કોન બ્રીજ પર અકસ્માત થયો ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા અને તથ્ય પટેલને ધમકાવી રહ્યા હતા, તે સમયે અકસ્માતની જાણ થયા બાદ પ્રજ્ઞેશ પટેલ તેના પત્નીને લઇને તરત સ્થળ પર આવી પહોંચ્યો હતો અને તથ્યને ધમકાવતા લોકો સામે ધાકધમકી તથા બોલાચાલી કરતા પોલીસે કલમ 506 હેઠળ તેની સામે ગુનો નોંધ્યો હતો. આમ પિતાપુત્ર બંનેને પોલીસે જેલમાં નાખ્યા હતા.
થોડા દિવસો બાદ બંનેએ સતત જામીન અરજી દાખલ કરી હતી, પ્રજ્ઞેશ પટેલે અગાઉ સેશન્સ કોર્ટેમાં કેન્સરની મેડિકલ સારવારનું કારણ આગળ ધરીને જામીન અરજી કરી હતી, પરંતુ તે અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ મંગેશ મંગદેવે તેને જામીન આપ્યા છે.