આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત દેશમાં 34% યોગદાન સાથે મોખરે, મહારાષ્ટ્ર બીજા ક્રમે

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.05 લાખ સોલાર રૂફટૉપ પૅનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે.

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પૅનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 11 મે 2025 સુધીમાં ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 3.36 લાખ સોલર રૂફટૉપ પૅનલ્સ સ્થાપિત કરવામાં આવી છે. આ આંકડો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં સર્વાધિક છે. આ યોજનાના સફળ અમલીકરણને કારણે, આજે ગુજરાત સોલર રૂફટૉપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં 34% યોગદાન આપી રહ્યું છે. આ યોજના હેઠળ ગુજરાતના 3.03 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા ₹2362 કરોડની સબસિડી આપવામાં આવી છે.

આ પણ વાંચો: વડા પ્રધાન મોદી વાવોલ ગામ પહોંચ્યા, સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓને મળ્યા

ટોચના પાંચ રાજ્યો

પીએમ સૂર્ય ઘર મફ્ત વીજળી યોજનાનું સફળ અમલીકરણ કરનારા ટોચના પાંચ રાજ્યોની વાત કરીએ તો પ્રથમ ક્રમે ગુજરાત બાદ, મહારાષ્ટ્ર 1.89 લાખ સોલર રૂફટૉપ પૅનલ ઇન્સ્ટોલેશન્સ સાથે બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશ 1.22 લાખ ઇન્સ્ટોલેશન સાથે ત્રીજા ક્રમે, કેરળ 95 હજાર ઇન્સ્ટોલેશન સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન 43 હજાર ઇન્સ્ટોલેશન સાથે પાંચમા ક્રમે છે.

1284 મેટ્રિક ટન કોલસાની બચત થઈ, 1504 મેટ્રિક ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થયો

GUVNLના આંકડા અનુસાર, ગુજરાતમાં ‘પીએમ સૂર્ય ઘર મુફત બિજલી યોજના’ હેઠળ સ્થાપિત 3.36 લાખ સોલર રૂફટૉપ સિસ્ટમ દ્વારા 1232 મેગાવૉટથી વધુ ઊર્જાનું ઉત્પાદન થયું છે, જે પરંપરાગત વીજ ઉત્પાદનના 1834 મિલિયન યુનિટ જેટલું છે. જો આટલી જ ઊર્જા કોલસા આધારિત પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવામાં આવી હોત, તો લગભગ 1284 મેટ્રિક ટન કોલસાનો વપરાશ થયો હોત. આ બચતને કારણે વાતાવરણમાં 1504 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના શું છે અને તેના લાભ કોને મળી શકે છે?

પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાની શરૂઆત ફેબ્રુઆરી 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ નાગરિકોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની સાથે 3 kW સુધીની સિસ્ટમ પર ₹78 હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે. છત ધરાવતો કોઈપણ ઘરમાલિક આ યોજના માટે પાત્ર છે. અરજીની પ્રક્રિયા સરળ છે અને https://pmsuryaghar.gov.in પર જઈને ઓનલાઈન કરી શકાય છે.

વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીના સહયોગથી ગુજરાત બન્યું શ્રેષ્ઠ

ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાની અભૂતપૂર્વ સફળતામાં વહીવટીતંત્રની દૂરંદેશી કામગીરીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, સાથે અહીંની જાગૃત જનતા અને સ્થાનિક સંસ્થાઓની સક્રિય ભાગીદારીએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્ય સરકારે દરેક ગામ અને શહેરમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવીને નાગરિકોને યોજનાના લાભો વિશે માહિતગાર કર્યા અને અરજી પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવી છે. આ સમન્વિત અને સમર્પિત પ્રયાસો આજે ગુજરાતને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં દેશ માટે એક આદર્શ મૉડલ તરીકે સ્થાપિત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button