લોકસભાઃ તાપી જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ટ્રાયબલ યુનિવર્સિટી સ્થાપવા કોણે માંગ કરી?

નવી દિલ્હી/બારડોલીઃ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના સાંસદ પ્રભુભાઇ વસાવાએ લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને તાપી જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ટ્રાયબલ યુનિવર્સિટી અથવા તો ટ્રાયબલ યુનિ. સેન્ટર શરૂ કરવા રજૂઆત કરી હતી.
તાપી જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયની કેટલી છે વસ્તી?
લોકસભા સંસદીય કામગીરી દરમિયાન બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ તાપી જિલ્લામાં ટ્રાયબલ યુનિવર્સિટી અથવા ટ્રાયબલ યુનિવર્સિટી સેન્ટર શરૂ કરવાની કેન્દ્રીય શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, બારડોલી લોકસભા મતવિસ્તાર ખૂબ મોટો છે. તાપી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં અનુસુચિત જનજાતિના ગ્રામીણ પરિવારો વસવાટ કરે છે. તાપી જિલ્લામાં ઊકાઈ ડેમ સહિત તાપી, અંબિકા અને પૂર્ણા જેવી નદીઓ વહેતી હોવાથી ઘણા ગામો નદીનાં કાંઠે વસેલા છે અને આ વિસ્તાર મહારાષ્ટ્ર બોર્ડર સાથે પણ જોડાયેલો છે. અહીં જંગલ વિસ્તાર અને આદિવાસી સમાજની વસતિ વધુ છે. તાપી જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયની વસ્તી લગભગ ૮૦ થી ૮૪ ટકા છે.
ટ્રાયબલ યુનિવર્સિટી સ્થાપવા કેમ કરી માંગ?
સાંસદએ વધુમાં કહ્યું કે, તાપી જિલ્લામાં યુનિવર્સિટી ન હોવાથી અહીંના મેધાવી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે દૂરના શહેરોમાં જવું પડે છે. આથી, શિક્ષણ પ્રધાન સમક્ષ તાપી જિલ્લામાં એક સંપૂર્ણ ટ્રાયબલ યુનિવર્સિટી અથવા ટ્રાયબલ યુનિવર્સિટી સેન્ટર શરૂ કરવાની રજૂઆત કરી હતી.