ખેડામાં સિરપકાંડ બાદ રાજ્યભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ખેડામાં સિરપકાંડ બાદ રાજ્યભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ પાડવામાં આવી હતી. ગાંધીનગરમાં શંકાસ્પદ દવાઓ ઝડપી પાડી હતી. ઉપરાંત જામનગરમાં નશાકારક બોટલ પકડાઈ હતી. બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે સિરપનો જથ્થો ઝડપાયો હતો. સુરત પોલીસ દ્વારા શહેરમાં સ્પેશિીયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. નશાકારક સિરપનું વેચાણ કરતા પાનના ગલ્લા તેમજ ડિસ્ટ્રીબ્યુટર પર દરોડા પાડવામાં આવ્યા હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ ખેડામાં આયુર્વેદિક દવા પીવાથી મોત બાદ રાજ્યમાં પોલીસની ડ્રાઈવ ચાલીર રહી છે. ત્યારે ગાંધીનગર પોલીસે તપાસ કરતા અડાલજ ખાતે પોરગામમાં આવેલા પાર્લર પરથી સીરપ મળી આવી હતી. બે પાર્લર પર મળીને કુલ ૯૦ જેટલી બોટલ જપ્ત કરવામાં આવી હતી. આ ૯૦ બોટલમાં આર્યુવેદીક દવાના નામને અન્ય સીરપ હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીનગર પોલીસે બે આરોપી સાથે ૯૦ બોટલ સહિત રૂ. ૧૩ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. જામનગરમાં પણ નશાકારક આયુર્વેદિક પીણાની બોટલો ઝડપાઈ હતી. સત્યમ કોલોની વિસ્તારમાં એક પાનની દુકાનમાંથી બોટલો ઝડપાઈ હતી. સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા ૯૬ જેટલી બોટલો ઝડપી પાડવામાં આવી હતી. બનાસકાંઠાના ડીસાના ભીલડી પોલીસે ગેરકાયદે સિરપનો જથ્થો ઝડપ્યો હતો. ભીલડી ગામે એક પાર્લરના ગોડાઉનમાંથી એક હજાર ૯૦ જેટલી બોટલ સહિત એક લાખ ૪૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે લાઇસન્સ, પરવાના કે આધાર પુરાવા વગર સિરપનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરમાંથી પણ નશાકારક સિરપનો જથ્થો મળી આવ્યો હતો. એક પાનની દુકાનમાંથી હર્બલ ટોનિક પ્રોડક્ટના નામે વેચાણ કરાતા શંકાસ્પદ નશાયુક્ત કેફી પીણાનો જથ્થો સી ડિવિઝન પોલીસે ૯૬ જેટલી બોટલ સાથે ૧૪ હજાર ૪૦૦નો મુદ્દામાલ ઝડપીને વધુ કાર્યવાહી કરી હતી. સુરત શહેરમાં એસઓજી અને પીસીબી પોલીસ દ્વારા ગોડાદરા, વરાછા, કાપોદ્રા, પુણા, અમરોલી વિસ્તારમાં આવેલા અલગ-અલગ પાનના ગલ્લા તેમજ ડિસ્ટ્રીબ્યુટર ઉપર રેડ કરવામાં આવી હતી. આયુર્વેદિકના ઓઠા હેઠળ વેચાણ થતી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી આર્યુર્વેદિક નશાકારક સિરપની ૨.૮૨ લાખની કિંમતની ૨૧૫૫ નંગ બોટલો જપ્ત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડામા આયુર્વેદિક સિરપ પીવાથી પાંચ લોકોનાં મોત થયાં છે. તો બે લોકો ગંભીર છે, જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે ગુજરાત પોલીસે તમામ જિલ્લામાં આ પ્રકારની આયુર્વેદિક સિરપ વેચાણની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.