ગુજરાતમાં ખાડાવાળા રસ્તાઓ બન્યા ‘જીવલેણ’: દર મહિને 80ના મોત
રાજ્યમાં કમરના દુખાવાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, પરંતુ વધતા વરસાદે તંત્રની બેદરકારી છતી કરી નાખી છે. સહેજ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે, તેનાથી આમ જનતાને હાલાકી પડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોય કે શહેરના નાના-મોટા રસ્તાઓની હાલત બિસ્માર બની જાય છે, પરંતુ રસ્તાઓ ધોવાઈ જતા મુશ્કેલીમાં તો આમ જનતા જ મૂકાય છે. અકસ્માતના કિસ્સામાં વધારા સાથે અવરજવર કરવામાં કમરના દુખાવાનો ભોગ બની રહ્યા છે, જેના અંગે પ્રશાસને સાવધ બનવું જરુરી છે.
ગુજરાતમાં વરસાદની શરૂઆત થતા જ તંત્રની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. તંત્રએ ચોમાસા પહેલા કરેલા પેચ વર્કની હાલત ખરાબ થઈ ગઈ છે. વાહનચાલક ટ્રાફિકના નિયમનો સહેજપણ ભંગ કરે તો તેને તેના માટે આકરો દંડ ચૂકવવાની નોબત આવે છે. પરંતુ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડમાં 6 મહિના કે એક વર્ષમાં જ ખાડા પડ્યા પછી પણ તેમની સામે કોઈ દંડ લેવાતો નથી કે બ્લેક લિસ્ટ પણ કરવાની તસ્દી લેવામાં આવતી નથી, એવો સ્થાનિકોએ પ્રશાસન પર સવાલ કર્યો હતો.
અમદાવાદના અનેક રસ્તામાં તો સ્ટ્રીટ લાઇટ પણ બંધ અવસ્થામાં છે. જેના કારણે રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે તેને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. એનસીઆરબીના અહેવાલ અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ખાડાને લીધે 400 વ્યક્તિના મૃત્યુ થયા છે, એટલે કે દર વર્ષે 80 લોકો ખાડાના કારણે જીવ ગુમાવે છે.
રોડ પરના ખાડાને લીધે ઓર્થોપેડિકને લોઅર બેક પેઇનના દદીઓના પ્રમાણમાં પણ વધારો થઈ ગયો છે. ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકોમાં કમર દર્દ કરોડરજ્જુ અને હાડકાંને લાગતા રોગોના શિકાર લોકો થયા છે. તેને લઈ ખાનગી હોસ્પિટલોથી માંડીને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટયો છે.
અમદાવાદની અસારવા અને સોલા સિવિલમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં કેસોનો ધરખમ વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલના આર્થોપેડિક વિભાગમાં રોજના આવતાં 100માંથી સરેરાશ 60 દદી બેક પેઈનની સમસ્યા ધરાવનારા હોય છે. રસ્તાઓ પરના ખાડાથી ડિસ્ક જોઇન્ટ્સ પર દબાણ વધે છે. જો આમ નિયમિતરૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે. ખાડાવાળા રોડમાં બેલેન્સ નહીં રહેવાથી અનેક લોકોને ફેક્ચર પણ થયાના કિસ્સા સામે આવે છે, એમ હોસ્પિટલના વર્તુળોએ જણાવ્યું હતું.
થોડા દિવસ પહેલા અમદાવાદના ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજલાઈનમાં એક બાઈકચાલક તણાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે 9 કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ ડ્રેનેજલાઈનમાં 200 ફૂટ દૂરથી શોધી કાઢ્યો હતો.