કોંગ્રેસનાં “એક્શન” સામે શહેર ભાજપ પ્રમુખનું પોઝીટીવ “રિએક્શન”
કાયદો અને નિયામક સમિતિનાં ચેરમેન દેવુબેન જાદવને કરાયા સસ્પેન્ડ
રાજકોટ: છેલ્લા ત્રણ દિવસથી ગોકુલધામ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ યોજના ડ્રોમાં ગેરરીતીના આક્ષેપો કોંગ્રેસ કરી રહ્યું છે.સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આજરોજ એ એક્શન સામે રિએક્શન આપ્યું હતું અને કોર્પોરેશનના વોર્ડ નંબર છ ના પોતાના જ કોર્પોરેટર અને ન્યાય સમિતિના ચેર પર્સન દેવુબેન જાદવ પાસેથી ચેરમેન પદેથી રાજીનામું લઈ લીધું હતું. ઉપરાંત ભારતીય જનતા પક્ષના કોઈપણ કાર્યક્રમમાં જ્યાં સુધી આ પ્રશ્ન પતે નહીં ત્યાં સુધી હાજર ન રહેવું ઉપરાંત કોર્પોરેશનમાં પણ ન આવવું જેવા કડક પગલાંઓ જાહેર કર્યા છે.
કોંગ્રેસ શહેર પ્રમુખ અતુલ રાજાણી કોંગ્રેસ પ્રદેશ અગ્રણી મહેશ રાજપુત તથા શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો છેલ્લા ત્રણ દિવસથી કમિશનર તથા સરકારમાં રજૂઆત કરતા હતા કે આવાસ યોજનામાં કોર્પોરેટર ના પતિદેવોએ કળા કરી છે અને પોતાના લાગતા વળગતાઓને ક્વાર્ટર ફાળવી દેવામાં આવ્યા છે અને ગરીબ લોકો જે કાયદેસરના હકદાર છે તેઓ ક્વાટરથી વંચિત રહ્યા છે. આ વાત હાલ ચૂંટણી નજીક હોય શહેર ભાજપ પ્રમુખ અને સમિતિએ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક ધોરણે દેવુબેન જાદવને ન્યાય સમિતિના ચેરમેન તરીકે રાજીનામું આપવા ફરજ પાડી હતી.
આ સંદર્ભે પ્રદેશ અગ્રણી અને બક્ષી પંચ મોરચાના અગ્રણી મહેશ રાજપુત ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ખરેખર લોકોને છેતરવાના પગલાં છે નહીં તો જો કરવું હોય તોય કોર્પોરેશન એક્ટ મુજબ તેમનું રાજીનામું કોર્પોરેટર તરીકે પણ લઈ લેવું જોઈએ. અમારી આ લડત લોકો માટેની છે એટલે ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. જ્યાં સુધી જરૂરિયાતમંદોને ક્વાર્ટર નહીં મળે ત્યાં સુધી રજૂઆતો કરતા રહેશું.
હાલ તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ના આદેશથી એક કમિટી ની રચના થઈ છે જે સમગ્ર આવાસ યોજના ના ડ્રો સંદર્ભે અને આક્ષેપો થયા છે તે કોર્પોરેટર ના પતિદેવોની પણ સંપૂર્ણ તપાસ કરશે અને જરૂર જણાશે તો આગળના પગલાં લેવાશે તેવું શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું.