Porbandar પાણી પાણીઃ સાંબેલાધાર વરસાદે જનજીવન ખોરવ્યું, આજે સાંસદ લેશે મુલાકાત

પોરબંદરઃ પોરબંદર શહેરમાં આકાશી આફત ત્રાટકી છે. છેલ્લા બે દિવસમાં 25 ઈંચ કરતા પણ વધુ વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણથી વધારે પાણી ભરાઈ ગયા હતા અને જનજીવનને ભારે અસર થઈ હતી. લોકોની હાલાકીનો કોઈ પાર રહ્યો નથી. આ દરમિયાન મળતી માહિતી અનુસાર આજે બપોરે 2 વાગ્યે સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા શહેર અને જિલ્લાની મુલાકાત લેશે. ગત ચૂંટણીમાં માંડવીયા પહેલીવાર પોરબંદરના સાંસદ બન્યા છે.
ભૂગર્ભ ગટરના કામની ઘોર બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો કકડાટ લોકો કરી રહ્યા છે.

પોરબંદર શહેરમાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદને લઈને મુખ્ય રસ્તો પણ બંધ થયો છે. તો અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે અને શહેરના રોડ રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે.
પોરબંદરના પક્ષી અભયારણ્યમાં પણ આસપાસ ના વિસ્તાર ના પાણીનો ભરાવો થયો હતો અને મુખ્ય માર્ગો ના પાણી અભયારણ્ય માં ઘુસી જતા વન વિભાગનો સ્ટાફ દોડતો થયો હતો. અને અને પાણી ના નિકાલ ની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં ૫૫૪ લોકોનું સ્થળાંતર
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે સલામતીના કારણોસર ૫૫૪ લોકોનું સ્થળાંતર મોડી રાત સુધીમાં કરવામાં આવ્યું છે. વરસાદની આગાહી અને આજના વરસાદથી ઉપરવાસથી આવી રહેલા પાણીના પગલે પોરબંદર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં નીચાણ વાળા એરિયામાં સલામતીના પગલાં કલેક્ટર કે.ડી લાખાણી ના માર્ગદર્શનમાં લેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવી કામગીરી કરવામાં આવી છે. જેમાં લોકોને ખાવાપીવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.