પોરબંદર-છાયા અને નડિયાદ પાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જોે અપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢ એમ કુલ આઠ મહાનગરપાલિકાઓ બાદ તાજેતરમાં જ બીજી સાત પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો હવે પોરબંદર-છાયા અને નડિયાદ એમ બીજી પાલિકાઓની પણ મનપાનો દરજ્જો આપવાની જાહેરાત બુધવારે નાણાં પ્રધાન કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભા ગૃહમાં કરી હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ અંગેની જાહેરાત કરતા નાણાં પ્રધાને વધુમાં કહ્યું હતુ કે, નડિયાદ અને પોરબંદર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે સ્થાનિક અગ્રણીઓ અને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી જેના ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ સહિત આઠ મનપા અસ્તિત્વમાં હતી ત્યારબાદ નાણાં પ્રધાન કનુ દેસાઈએ તાજેતરમાં વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને વઢવાણને મનપા બનાવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે બુધવારે વધુ બે નડિયાદ અને પોરબંદરની છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવતા હવે રાજ્યમાં કુલ ૧૭ મનપા થઈ જશે.