ગુજરાતમાં ખરાબ રસ્તા મુદ્દે 'દાદા'નો આદેશ: બેદરકાર કોન્ટ્રાક્ટરને બક્ષવામાં નહીં આવે!
આપણું ગુજરાત

ગુજરાતમાં ખરાબ રસ્તા મુદ્દે ‘દાદા’નો આદેશ: બેદરકાર કોન્ટ્રાક્ટરને બક્ષવામાં નહીં આવે!

ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ હેઠળના ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાની મરામત કામગીરી સત્વરે અને સ્વખર્ચે પૂર્ણ કરવા સંબંધિત કોન્ટ્રાક્ટરોને નોટીસ અપાઈ

ગાંધીનગરઃ રાજ્યની મહાનગરપાલિકાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશથી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા નિર્મિત અથવા જાળવણી હેઠળના રોડ-રસ્તાઓમાં ખાડા પડ્યા હશે તેવા, કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી અને નિર્ધારિત સમયમર્યાદામાં સમારકામ પૂર્ણ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કોન્ટ્રાક્ટરને દંડ પણ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલોના મરમ્મતની કામગીરી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા, રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ નાગરિકોની સેવામાં ઉપલબ્ધ છે. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે કેટલાક રોડ, રસ્તા, પુલ અને અન્ય માળખાકિય સુવિધાઓને નુકસાન થયું છે. જેના સમારકામ માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગ-મકાન અને અન્ય સંબંધિત વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. જે અનુસંધાને રાજ્યની ૧૨ મહાનગરપાલિકા વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં યુદ્ધના ધોરણે સમારકામના કાર્યો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો…નબળા રોડ-બ્રિજ મામલે ગુજરાત સરકાર એક્શનમાં, કોન્ટ્રાક્ટરને નોટિસ!

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button