સુરતમાં ગેસ્ટહાઉસની આડમાં ચાલતા 5 કૂટણખાનાં પર પોલીસની તવાઈ…

સુરત: સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા ગેસ્ટ હાઉસમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ વરાછામાં એક સ્પાની અંદર ચાલતું કૂટણખાનું પણ ઝડપ્યું છે. ઘણા વર્ષોથી ગેસ્ટહાઉસની આડમાં ગોરખધંધા ચલાવતા ચાર ગેસ્ટહાઉસના માલિકો, સંચાલકો અને ગ્રાહક સહિતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ જગ્યાએથી 13 જેટલી મહિલાઓ પણ મળી આવી હતી. આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી જોઈએ.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના રેલવે સ્ટેશન વિસ્તાર નજીકની હોટલો અને ગેસ્ટહાઉસમાં કુટણખાના ચાલતા હોવાની ફરિયાદોને પગલે ક્રાઇમ બ્રાન્ચે એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટને આ દિશામાં વર્કઆઉટ કર્યું હતું. જેમાં પોલીસને સહયોગ ગેસ્ટહાઉસ, ઉદય ગેસ્ટહાઉસ વિજય રેસ્ટહાઉસ અને પારસ ગેસ્ટહાઉસમાં આ પ્રકારના ગોરખધંધા ચાલી રહ્યા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે લંબે હનુમાન ગરનાળા પારી સહયોગ ગેસ્ટ હાઉસમાં દરોડા પાડયા હતા. જ્યાં એક રૂમમાં પુરુષ અને મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. રૂમમાં તલાશી લેતા 1 મોબાઈલ, રોકડા રૂપિયા 3800 મળી કુલ રૂપિયા 6800નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
આ ગેસ્ટહાઉસનો માલિક જહીર મોહંમદ કરીમ મલેક તેમના ગેસ્ટહાઉસમાં સંચાલક તરીકે અશરફ ઈકબાલ મલેકને રાખી સેકસરેકેટ ચલાવતો હતો. પોલીસે સંચાલક અશરફ ઇકબાલ મલેક અને ગ્રાહક સૂરજ મહેશ રામની અટક કરી લેવામાં આવી છે. જ્યારે ગેસ્ટ હાઉસના માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે મહિધરપુરા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે વિજય અને પારસ ગેસ્ટહાઉસમાં પણ દરોડા પાડયા હતા. જેના માલિક કૌશિક મોદી અને રાકેશ મોદી દલાલો મારફતે છ ભારતીય મૂળની મહિલાઓને રાખી અહીં દેહવ્યાપાર કરાવતા હતા. બંને ગેસ્ટહાઉસમાંથી 2 મોબાઈલ, રોકડા રૂપિયા 11,400 મળી કુલ 41,400નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
આ સિવાય વરાછા પોલીસને સ્પાની આડમાં સેક્સરેકેટ ચાલતું હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલી દેહવિક્રયનો ભાંડો ફોડી નાખ્યો હતો. પોલીસે અહીંથી 2 મોબાઇલ, રોકડ રકમ મળી કુલ 10,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. 2 મહિલા પણ પોલીસને મળી આવી હતી.