ગુજરાતભરમાં સ્પા સેન્ટરો પર પોલીસની રેડ: મસાજની આડમાં અનૈતિક ધંધાનો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં પોલીસે સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા. રાજ્યમાં કેટલાક સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. જેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદનાં સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. મસાજની આડમાં અનૈતિક ધંધાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યવ્યાપી સ્પાને લઇને ગુજરાત પોલીસની ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. અમદાવાદ શહેર અને જિલ્લાના ૩૫૦ સ્પા સેન્ટરો ચેક કરવામાં આવ્યાં હતાં. જેમાં નવ ફરિયાદ દાખલ કરી ૮ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ગાંધીનગરમાં સ્પાના નામે કૂટણખાનું ચલાવતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અલગ-અલગ ત્રણ સ્પામાં રેડ કરતા કૂટણખાનું ઝડપાયું હતું. જ્યાં ગુજરાત બહારથી મહિલાઓને લાવી દેહ વ્યાપાર ચલાવતા હતા. વડોદરામાં માંજલપુર અને વાઘોડિયા રોડ પર ચાલતા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન બે યુવતીઓ મળી આવી હતી. પોલીસ વેરિફિકેશન વિના જ યુવતીઓને રાખવામાં આવી હતી. પોલીસે સ્પાના મેનેજર ધર્મેશ સોલંકીની ધરપકડ કરી હતી. સુરતમાં સ્પાના નામે ચાલતા ગોરખધંધા પર શહેર પોલીસે દરોડા પાડ્યા હતા. સ્પાની આડમાં દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ થયો હતો. શહેરમાં દરોડા દરમિયાન પોલીસે ૫૦ કેસ કર્યા હતા. રાજકોટ શહેરમાં વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસે સવારથી દરોડા પાડ્યા હતા લગભગ ૫૦ થી વધુ સ્પામાં પોલીસ વિભાગે તપાસ કરી હતી. જેમાં ૧૩ સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી. સુરેન્દ્રનગરમાં પોલીસે સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કરાયો હતો. પોલીસે સ્પાના માલિક, સંચાલકો, ગ્રાહક સહિત નવ લોકોને ઝડપી પાડ્યા હતા. બોટાદ પોલીસે બાતમીના આધારે સ્પા પર દરોડા પાડ્યા હતા. બોટાદ પોલીસે માલિક સહિત કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.