સતાધાર વિવાદમાં હવે પોલીસ તપાસ શરૂ; સાધુ સંતોનું વિજયબાપુને સમર્થન
વિસાવદર: જુનાગઢના વિસાવદર તાલુકામાં આવેલી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર વિવાદમાં ઘેરાયું છે. જગ્યાના વર્તમાન ગાદીપતિ વિજયબાપુના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાએ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ અંગે અરજી કરતા ભારે વિવાદ ઉભો થયો છે. નીતિનભાઈ દ્વારા કરવામાં આવેલી અરજીની તપાસ કરવા વિસાવદર પોલીસે ભાવનગર પહોંચીને તેમનું નિવેદન લીધું હતું.
અરજી બાદ પોલીસે શરૂ કરી તપાસ
સતાધારની જગ્યાના ગાદીપતિ વિજયબાપુના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાના આક્ષેપો બાદ આ મામલે વિવાદ શરૂ થયો છે. જો કે હવે મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હોવાના અહેવાલો છે. આ અંગે આક્ષેપ કરનારા નીતિન ચાવડાના ભાવનગર સ્થિત ઘરે વિસાવદર પોલીસ પહોંચી છે અને આરોપ કરનાર નીતિનભાઈનું નિવેદન લીધું છે.
સતાધારના મહંતનું પણ નિવેદન લેવાયું
સતાધારના મહંત વિજયબાપુ સામેના આરોપોને લઈને વિસાવદર પોલીસ તેમજ ગૃહમંત્રીને અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેની તપાસ વિસાવદર એએસપી રોહિતકુમારને સોપવામાં આવી છે. તેમણે ભાવનગર જઈ મહંતના ભાઈનું નિવેદન લઈ સતાધાર જઈ વિજયબાપુને મળીને અરજીને સબંધે માહિતી મેળવી હતી.
મહેશગિરી આવ્યા સમર્થનમાં
આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરી અને સાધુ-સંતોએ સતાધાર જઈને વિજયબાપુ સાથે મળ્યા હતા. તેમણે મુલાકાત કરીને વિજયબાપુના પક્ષે સમર્થન આપ્યું છે અને સાધુ-સંતો તેમની સાથે હોવાનું જણાવ્યૂ છે. તેમણે કહ્યું હતું કે ધર્મસભા બોલાવો અને તેમાં તમારી વાત મૂકો. તેમના સમર્થનમાં આનંદગીરી બાપુ, મહેશગીરી બાપુ, મહામંડળેશ્વર જગુબાપુ, મહાદેવગીરી બાપુ, ચકાચક બાપુ સહિતના સંતો સતાધાર પહોંચ્યા હતા.
આ પણ વાંચો : પાકિસ્તાનની જેલમાં જુનાગઢના માછીમારનું મોત, મહિના બાદ સોંપવામાં આવ્યો મૃતદેહ…
શું છે વિવાદ?
સૌરાષ્ટ્રના સુપસિદ્ધ યાત્રાધામ સતાધારની જગ્યાના મહંત પર કરવામાં આવેલા આરોપોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મહંત પર તેમના પૂર્વાશ્રમના સગા ભાઈએ જ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મુખ્ય પ્રધાન તેમજ ગૃહમંત્રીને પત્ર લખી તપાસની રજૂઆત કરી છે. તેમણે મહંત દ્વારા ગેરકાયદે કરોડોના વ્યવ્હાર, મહિલા ગીતા સાથે પ્રેમસંબંધ, બંનેએ લગ્ન કરી લીધાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે તેને સતાધારના ગાદીપતિ વિજયબાપુએ પાયા વિહોણા ગણાવીને ફગાવી દીધા છે