અમદાવાદમાં પોર્ટરની આડમાં થતી દારૂની ખેપ ઝડપાઈ, આવી હતી મોડસ ઓપરેન્ડી
અમદાવાદઃ શહેરમાં બુટલેગરો દારૂ ઘુસાડવા અવનવી તરકીબો અજમાવે છે. અમદાવાદમાં પોર્ટરની આડમાં થતી દારૂની ખેપ ઝડપાઈ હતી. ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે લોડિંગ રિક્ષામાંથી દારૂની 46 બોટલ ઝડપી હતી.
અમદાવાદના સરદારનગરના બુટલેગરે દિલ્હીથી મંગાવેલું પાર્સલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનથી પોર્ટરમાં ચાલતી લોડિંગ રિક્ષામાં ઘરે મંગાવ્યું હતું.ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે લોડિંગ રિક્ષામાં આવેલા 2 પાર્સલમાંથી દારૂની 46 બોટલ બોટલ ઝડપી પોર્ટરથી ઘર સુધી દારૂ મંગાવવાના નવા કિમીયાનો પર્દાફાશ કર્યો હતો. બુટલેગરે દિલ્હીથી ટ્રાન્સપોર્ટમાં પાર્સલની આડમાં દારૂ મંગાવ્યો હતો અને લોડિંગ રિક્ષા પોર્ટરમાં તેના ઘરે ઉતારવાનો હોવાની મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેના ઘર પાસે વોચ ગોઠવી હતી.
લોડિંગ રિક્ષાના ડ્રાઇવરે શું કહ્યું
આ દરમિયાન પોર્ટરમાં ફરતી બે લોડિંગ રિક્ષા આવી હતી અને પાર્સલ ઉતારવા જતા હતી ત્યારે પોલીસે બંને પાર્સલ ખોલીને જોતાં તેમાંથી દારૂની 46 બોટલ મળી આવી હતી. પોલીસે લોડિંગ રિક્ષાના ડ્રાઇવરને પૂછતાં તેમણે જણાવ્યું કે, તેઓ લોડિંગ રિક્ષા પોર્ટરમાં ફેરવે છે અને કંપની તરફથી વર્ધી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે દારૂની બોટલો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બુટલેગરે ઘરની નજીકનું સરનામું લખાવ્યું હતું
બુટલગરે પોર્ટરમાં દારૂની ડિલિવરી કરાવવા માટે તેના ઘરની નજીકનું સરનામું લખાવ્યું હતું. તેમજ ડમી મોબાઇલ નંબર આપ્યો હતો. પાર્સલ આવ્યું ત્યારે તે નજીકમાં જ હાજર હતો. પરંતુ પોલીસે પાર્સલ ખોલતાં જ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સિમેન્ટના બંકરમાંથી 95 લાખનો દારૂ ઝડપાયો
પાલનપુર એલસીબી ટીમે અમીરગઢ-પાલનપુર હાઇવે પર કોરોના હોટલ સામેથી સિમેન્ટના બેંકરમાંથી 95 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે આબુરોડથી પાલનપુર તરફ જતાં એક સિમેન્ટમના બંકરમાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થઈ રહી છે. જેના આધારે પોલીસે અમીરગઢ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી હતી. પોલીસે આરજે-06-જીએ-9303 નંબરના બંકરને રોકી તલાશી લેતા તેમાંથી દારૂની 1256 પેટી, બોટલ નંગ 21768 મળી આવી હતી. પોલીસે કુલ 1.15 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુર એસલીબી દ્વારા રાજ્યમાં બંકરમાંથી દારૂ જપ્તીનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો.