Ahmedabad માંથી બનાવટી ચલણી નોટો સાથે પોલીસે એકની ધરપકડ કરી

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પૂર્વે વધુ એકવાર બનાવટી ચલણી નોટો(Fake Currency) ઝડપાઈ છે. જેમાં સુરત બાદ હવે અમદાવાદમાં (Ahmedabad) થી બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 500ના દરની સાત અને 100ના દરની 539 નોટો જપ્ત કરી છે. આ નોટ પ્રકરણમાં રાકેશ રામ નામના આરોપીનું નામ તપાસમાં બહાર આવ્યું છે. જે પોલીસ ચોપડે ફરાર છે. બાપુનગર પોલીસે આરોપી નોટો વટાવે તે પહેલા ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસે ઇન્દ્ર ભૂષણ ત્રિપાઠીની ધરપકડ કરી
આ નોટો રખિયાલના માર્કેટમાં વટાવવાની વાત સામે આવી છે. ઓઢવ ઇન્દિરા આવાસમાં રહેતા રાકેશ રામ નામના આરોપીનું નામ સમગ્ર કેસમાં બહાર આવ્યું છે. રાકેશે ઇન્દ્ર ભૂષણને બનાવટી નોટો આપી હતી. અગાઉ પણ આ આરોપીએ કોઈને નોટ આપી છે કે નહી તેને તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાર દિવસ પહેલા સુરતમાં બનાવટી ચલણી નોટો ઝડપાઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ચાર દિવસ પહેલા નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું હતું. દિવાળી પહેલા જ બજારમાં ઓરિજીનલ ચલણી નોટોની વચ્ચે નકલી નોટ ઘુસાડનારા બે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. સરથાણા પોલીસ મથકના પીએસઆઇ માણસોક કડોદરાથી શહેરમાં પ્રવેશતી વખતે બનાવેલી નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહનોનું ચેકિંગ કરતા હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશથી એક શખ્સ નકલી ચલણી નોટને ઓરિજીનલ નોટની વચ્ચે મૂકીને સુરતમાં વેચવા માટે આવી રહ્યાં છે.