PM Modiની મુલાકાત કચ્છીઓને ફળશે, આટલા કરોડના પ્રોજેક્ટનું થશે લોકાર્પણ

ભુજ : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૮મી ઓક્ટોબરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે રૂ. ૪૮૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર,રણપ્રદેશ કચ્છ અને બોટાદ જિલ્લાના અંદાજે રૂ. ૧૬૦૦ કરોડ જેટલાં વિકાસકાર્યનો સમાવેશ થાય છે. તેઓ રૂા.૧૦૯૪ કરોડની લાગતથી નિર્માણ પામેલા ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન પાણી પુરવઠા વિભાગના રૂ. ૭૦૫ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ જળસંચય વિભાગ હેઠળ ૨૦ કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ અને કૂવા રિચાર્જના ૧૦૦૦ કામનું ખાતમુહૂર્ત અને ૫૯૦ કામનું લોકાર્પણ પણ કરશે, તેમ જાણવા મળ્યું છે.
આ સાથે નરેન્દ્ર મોદી રૂ. ૨૮૦૦ કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ)ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ રૂ. ૧૦૯૪ કરોડના ખર્ચે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આ સેક્શનમાં ૨૪ મોટા અને ૨૫૪ નાના બ્રિજ સામેલ છે તેમજ ત્રણ ઓવરબ્રિજ અને ૩૦ રોડ અંડરબ્રિજનો પણ આ મહત્વાકાંક્ષી પ્રકલ્પમાં સમાવેશ થાય છે.