ગુજરાતમાં PMJAYમાંથી નાણાં ખંખેરવા માત્ર હૃદય, ઘૂંટણ નહીં પણ મોતિયાનું પણ ઓપરેશન કરી રહ્યા છે ડૉક્ટરો
અમદાવાદઃ ખ્યાતિ હૉસ્પિટલમાં સર્જાયેલા કાંડની તપાસ બાદ PMJAYમાંથી માત્રને માત્ર નાણાં ખખેરવા જ હૉસ્પિટલો હાર્ટના આપરેશન કરતી હોવાનો ખુલાસો થયો હતો. આ ઉપરાંત કેટલીક હૉસ્પિટલો સાંધાના દુખાવામાં ઘૂંટણના ઓપરેશન કરી નાંખતી હતી. સફળી જાગેલી સરકાર હવે પીએમજેએવાયમાંથી સર્જરી કરાવવા માટે માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે, જેનો ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે. આ દરમિયાન પીએમજેએવાયમાંથી માત્રને માત્ર રૂપિયા ખંખેરવા માટે મોતિયાના ઓપરેશન પણ થતાં હોવાનો પણ ખુલાસો થયો છે.
અમદાવાદમાં એક વ્યક્તિને આખમાં ઝાંખું દેખાતું હોવાથી આંખના તબીબ પાસે ગયા હતા. તબીબે તેમને મોતિયો પાકી ગયો છે તેમ કહી ઑપરેશન કરાવવાની સલાહ આપી હતી. જોકે તેમને તબીબની વાત ગળે ન ઉતરતાં સિવિલ હૉસ્પિટલમાં આંખની તપાસ કરાવી હતી. જ્યાં તબીબે નિદાન કરીને તેમને મોતિયો પાક્યો નથી અને કદાચ ઑપરેશનની પણ જરૂર નહીં પડે તેમ જણાવ્યું હતું. જો આ વ્યક્તિએ બીજો અભિપ્રાય ન લીધો હોત તો તેમનું પણ મોતિયાનું ઑપરેશન કરી નાંખવામાં આવ્યું હોત.
કેટલીક ખાનગી હૉસ્પિટલો પૈસા કમાવવા માટે પીએમજેએવાય અંતર્ગત ખોટી રીતે આંખમાં સર્જરી કરે છે. મફતમાં સર્જરી થશે તેમ માની ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો પણ ઝડપથી સહમત થઈ જાય છે. પીએમજેએવાયમાં મોતિયાની પણ સર્જરી થતી હોવાથી ઘણી ખાનગી હૉસ્પિટલો મોતિયાના ઓપરેશનની જરૂર ન હોવા છતાં ઓપરેશન કરી દે છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
ગુજરાતમાં સરકારી યોજના હેઠળ છેલ્લા એક દાયકામાં સરેરાશ સાત લાખ જેટલા મોતિયાના ઑપરેશન કરવામાં આવે છે. રાજ્યમાં પ્રતિ 10 લાખની વસતિએ 10 હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર છે.