
ભુજઃ ભેદી બીમારીમાં સપડાયેલા કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના પાન્ધ્રો ખાતે રૂપિયા ૩૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સમગ્ર ગુજરાતના પ્રથમ એવા ૩૫ મેગા વોટની ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે અમદાવાદ ખાતેથી થયેલા વર્ચ્યુઅલ લોકાર્પણના કાર્યક્રમમાં માત્ર પાવર પ્લાન્ટના અધિકારીઓ-કર્મચારીઓ જ ઉપસ્થિત રહેતાં તર્ક-વિતર્ક વહેતા થયા હતા. સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ ચૂંટાયેલા સભ્યોને આમંત્રણ તો ઠીક જાણ પણ કરવામાં ન આવતાં મોટી ઉપલબ્ધિ બાબતે લોકો સંપૂર્ણ અજાણ રહ્યા હતા.
આ પાવર પ્લાન્ટ અંગે વાત કરતાં કે. એલ. ટી. પી. એસ.ના વડા એસ. બી. પટેલે જણાવ્યું હતું કે, અહીં બનેલા ૩૫ મેગા વોટના નવા પ્લાન્ટમાં પાવર સ્ટોરેજ પણ કરી શકાશે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ધરાવતો આ કચ્છ ઉપરાંત રાજ્યનો સૌ પ્રથમ પાવર પ્લાન્ટ હોવાનું જણાવીને વધુમાં ઉમેર્યું હતું કે દિવસ દરમ્યાન એકત્ર કરેલો પુરવઠો રાત્રિના સમયે પણ આપી શકાશે. રાજ્યમાં સૌપ્રથમ આટલી ક્ષમતાવાળો પાવર પ્લાન્ટ ગ્રીન પાવરથી પણ આગળ રહેશે.
કચ્છમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ હાજીપીર નજીક નિર્માણ પામી રહ્યો છે. આ લોકાર્પણ માત્ર વર્ચ્યુઅલ હોતાં પાવર પ્લાન્ટના અધિકારીઓ તેમ જ સ્ટાફ જ ઉપસ્થિત રહ્યો હતો, તાલુકાના કોઈ આગેવાનોને આમંત્રણ અપાયું ન હોવાની બાબતને તેમણે સમર્થન આપ્યું હતું.
પાન્ધ્રો જિલ્લા પંચાયત સીટના સદસ્ય મીનાબા જાડેજાના પતિ અને તેમના પ્રતિનિધિ દેશુભા જાડેજાએ તેમના છેવાડાના વિસ્તારમાં આકાર પામેલા સોલાર પાવર પ્લાન્ટના લોકાર્પણ અંગે આમંત્રણ કે જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પ્રતિનિધિ જશુભા જાડેજાએ પણ આ કાર્યક્રમ અંગે પોતાને કોઈ નિમંત્રણ આપવામાં ન આવ્યું હોવાનું કહ્યું હતું.
લખપતના મુખ્ય મથક દયાપરમાં પાંચ કરોડના ખર્ચે બની રહેલી નવી મામલતદાર કચેરી તેમજ દોઢ કરોડના ખર્ચે નિર્માણાધિન વિશ્રાંતિગૃહનું કામ પૂર્ણતાના આરે છે. માતબર રકમ સાથે બની રહેલા બંને સંકુલનું ખાતમુહૂર્ત જે તે વખતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. તે સમયે પણ સ્થાનિકે ચૂંટાયેલા પ્રતિનિધિ કે આગેવાનોને આમંત્રણ અપાયું ન હતું અને ચૂપચાપ કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
દરમ્યાન, અબડાસા અને લખપત તાલુકામાં અજાણ્યા રોગચાળાએ હાહાકાર મચાવતા હાલ અહીં દહેશતનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે આવા કપરા સમયે વાજતે-ગાજતે લોકાર્પણનો સરકારી કાર્યક્રમ યોજવામાં આવે તો સ્થાનિકોની નારાજગીનો ભોગ બનવું પડે નહિ માટે બિલ્લી પગે આ ઉદઘાટન કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ સ્થાનિકોમાં જોર પકડ્યું છે.