વડા પ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે, શિક્ષણને લગતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટની આપશે ભેટ
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, બુધવારના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજ્ય સરકારના અધિકારીઓએ શુક્રવારે વડા પ્રધાનના ગુજરાત પ્રવાસ અંગે જાણકારી આપી હતી. વડા પ્રધાન આદિવાસી બહુમતી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં જાહેર સભાને સંબોધશે અને શિક્ષણ ક્ષેત્રને લગતા રૂ.4,500 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
બોડેલીમાં જાહેર સભા સંબોધતા પહેલા, વડા પ્રધાન રાજ્ય સરકારના ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ હેઠળ વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ કરશે, એમ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાનને હસ્તે અડાલજ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ યોજનાનો પ્રારંભ શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરીને નવા અને સ્માર્ટ ક્લાસરૂમ્સ તેમજ કોમ્પ્યુટર લેબના નિર્માણ દ્વારા રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો હતો.
ગુજરાત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રને લગતી અન્ય ઘણી નવી યોજનાઓ પણ શરૂ કરશે, જેમાં સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ નિવાસી શાળાઓ, રક્ષા શક્તિ શાળાઓ, મુખ્ય મંત્રી જ્ઞાન સેતુ મેરિટ શિષ્યવૃત્તિ અને મુખ્ય મંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનો સમાવેશ થાય છે.
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ, રાજ્ય સરકાર આગામી પાંચ વર્ષમાં રૂ. 10,000 કરોડનો ખર્ચ કરશે જેમાં તમામ 35,133 સરકારી અને 5,847 ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને આવરી લેવાશે. આ ભંડોળ રાજ્યભરની 41,000 જેટલી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં 50,000 નવા વર્ગખંડો બનાવવા, 1.5 લાખ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા, 20,000 નવી કોમ્પ્યુટર લેબ અને 5,000 ટિંકરિંગ લેબ બનાવવા માટે ખર્ચવામાં આવશે. એક અંદાજ મુજબ આગામી પાંચ વર્ષમાં લગભગ એક કરોડ વિદ્યાર્થીઓને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો લાભ મળશે.