PM Modi એ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી, યાત્રી સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું…

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)ગાંધીનગરમાં રાજભવન ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં વિવિધ સુવિધાઓમાં વધુ સુધારો કરવાના માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.પીએમ મોદીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. સોમનાથમાં પ્રવાસન વિભાગના સહયોગથી નવીનીકરણ કરાયેલા યાત્રી સુવિધા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ટ્રસ્ટને ભેટમાં આપેલી ગણેશજીની 175 મૂર્તિઓના દર્શનના ટેબ્લોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : અમૃતકાળમાં મોદી: શું અડવાણી પેઠે ન. મો. પણ હવે માર્ગદર્શક મંડળમાં ?
માસ્ટર પ્લાન પર પણ ચર્ચા
આ બેઠકમાં સોમનાથ તીર્થના સર્વાંગી વિકાસ માટેના માસ્ટર પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. વેરાવળ-પાટણ નગરપાલિકાને દુકાનો માટે હાટ અને ફૂડ પ્લાઝા બનાવવાની સાથે સાથે સ્થાનિક શેરી વિક્રેતાઓ માટે રોજગાર અને સુવિધાઓ આપવા માટે જમીન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. પ્લાસ્ટિકના કચરામાંથી પેવર બ્લોક બનાવવાનું નક્કી કરાયું હતું. બીચના વિકાસ માટે પ્રવાસન વિભાગને કરાર દ્વારા જમીન ફાળવવામાં આવશે.
આ બેઠકમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને ટ્રસ્ટી પી.કે.લહેરી અને ટ્રસ્ટી કમ બિઝનેસમેન હર્ષવર્ધન નેવટિયાએ પણ ભાગ લીધો હતો. જેમાં અન્ય ત્રણ ટ્રસ્ટીઓ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને જે ડી પરમાર વિવિધ કારણોસર બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.
ટ્રસ્ટીની નિમણૂક
યુવા ઉદ્યોગપતિ વિશદ પદ્મનાભન મફતલાલને પણ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ટ્રસ્ટ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરનું કામકાજ સંભાળે છે.