નારી શક્તિ બિલ વિકસિત ભારતની ગેરંટીઃ મોદી
ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે ભાજપના મહિલા કાર્યકરોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે નારીશક્તિ વંદન અધિનિયમ એ દેશની નારીશક્તિનું સન્માન છે અને તે વિકસિત ભારતની ગેરેન્ટી છે. ગુજરાતમાંથી આ કાયદા માટેની પૃષ્ઠભૂમિ શરૂ થઈ હતી. દરેક સ્તર પર મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે સમરસ પંયાચતની પહેલ શરૂ થઈ હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે તમે જે વિશ્વાસ સાથે મોકલ્યો હતો તેમાં વધુ એક કામ કર્યું છે. એક – એક કરીને અનેક યોજનાઓ બનાવી. જવાબદાર પક્ષ તરીકે ભાજપે અનેક નિર્ણય લીધા છે. અમે નવી પરંપરા શરૂ કરી. ગુજરાતમાં ડેરી સેક્ટરમાં 35 લાખ કરતાં વધુ મહિલા છે. લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. આજે ગુજરાતમાં અઢી લાખથી વધુ સખી મંડળ છે. મહિલાઓને જીવનમાં આગળ વધવાના અવસર મળ્યા છે.
નારી ગૌરવ નીતિ બનાવનારૂં ગુજરાત દેશમાં પહેલું રાજ્ય હતું. આઝાદીના આટલા વર્ષો બાદ પણ નારી શક્તિ સાથે ઇન્સાફ નહીં થયો. આ બિલ દેશની મારી માતા બહેનો માટે મોટો રક્ષાબંધનનો ઉપહાર છે. આ બિલ મારી બહેનોના સપના પૂરા કરવાની ગેરંટી છે. આ બિલ ભારત ના વિકસિત ભારતની ગેરેંટી છે, તેમ વડા પ્રધાને જણાવ્યું હતું.
અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા મોદીજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા.
એરપોર્ટ પરથી ખુલ્લી જીપમાં પીએમ મોદી સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર હતા. આ જીપથી કાર્યક્રમના સ્ટેજ સુધી પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં રોડની બંને બાજુએ મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ભાજપના કાર્યકરો ઉપસ્થિત હતા.
દરમિયાન મળતી માહિતી અનુસાર પીએમ મોદી મહિલાઓને સંબોધ્યા પછી સીધા જ રાજભવન જવા રવાના થયા છે. જ્યાં રાજભવનમાં રાત્રિરોકાણ કરશે. આ દરમિયાન સરકારના મંત્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની મુલાકાત યોજાઈ શકે છે. જેમાં પીએમ મોદી ચર્ચા કરશે અને સાથે જ વાઈબ્રન્ટ સમિટ પ્રેઝન્ટેશનને પણ જોશે તેવું બિનસત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.