વડોદરામાં પીએમ મોદીએ યાદ કર્યા રતન ટાટાને અને…
વડોદરાઃ ઉદ્યોગપતિ રતન ટાટાએ થોડા દિવસો પહેલા જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, પરંતુ તેઓ હંમેશાં આપણા બધાના સ્મરણોમાં રહેશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને યાદ કર્યા હતા.
વડા પ્રધાન મોદી, સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ‘ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે ટાટા-એરબસ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ભારત-સ્પેનના સંબંધોને મજબૂત બનાવશે. આ ઇકોસિસ્ટમ દેશમાં પ્રથમ નાગરિક વિમાન બનાવવામાં મદદ કરશે. વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ’ મિશનને પણ મજબૂત કરશે.
વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ રતન ટાટાને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે જો આજે રતન ટાટા જીવિત હોત તો તેઓ ખૂબ ખુશ હોત. પીએમ મોદીએ કહ્યું, આપણે હાલમાં જ દેશના મહાન સપૂત રતન ટાટાને ગુમાવ્યા છે. જો રતન ટાટા આજે આપણી વચ્ચે હોત તો તેઓ ખૂબ જ ખુશ હોત, પરંતુ તેમનો આત્મા જ્યાં હોય ત્યાં ખૂબ ખુશ થશે.
આ સાથે મોદીએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે સ્પેનમાં પણ યોગ ખૂબ જ લોકપ્રિય છે. ભારતમાં સ્પેનિશ ફૂટબોલને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ગઈકાલે રિયલ મેડ્રિડ અને બાર્સેલોના વચ્ચેની મેચની પણ ભારતમાં ચર્ચા થઈ હતી. બાર્સેલોનાની શાનદાર જીતની પણ ચર્ચા થઈ હતી. ભારતમાં પણ બન્ને ક્લબના ચાહકો છે અને તેમની વચ્ચે આ ચર્ચા થઈ જ હશે.
આ પ્રસંગે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું કે, જો ભારતીય કંપનીઓ વૃદ્ધિ કરવા માંગતી હોય તેઓ સ્પેન પર વિશ્વાસ કરી શકે છે. 2026માં ભારતમાં ઉત્પાદિત પ્રથમ C-295 વડોદરાના આ પ્લાન્ટમાં બન્યું હશે.
આ પણ વાંચો :PM Modi અને સ્પેનના PM આજે ગુજરાતમાં: Modi ગુજરાતને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ
વડોદરાના આંગણે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. બંને દેશના વડાપ્રધાનને આવકારવા રોડની બંને સાઇડ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બન્ને વડાપ્રધાનએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ સાથે સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થતાં કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું.