PM મોદી બનશે મહેસાણાના મહેમાન, વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લેશે ભાગ

ગાંધીનગર: અયોઘ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રધાન ગુજરાતમાં પણ એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાના છે. મહેસાણાના તરભ ખાતે આવેલા વાળીનાથ મંદિરે 16મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) હાજર રહેશે.
આ સાથે સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શંકરાચાર્યજી અને દેશભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાત દિવસના ઉત્સવમાં ત્રણ લાખ ભક્તો ભાગ લેશે, જ્યારે 22 ફેબ્રુઆરીએ પાંચ લાખ ભક્તો આવવાની અપેક્ષા છે.
અહીં પીએમ મોદી સવારના અગિયાર વાગ્યે હાજર રહેશે તેમ જ તેમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અહીંના મહોત્સવમાં સંતો-મહંતો, રાજકીય નેતા અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. અહીંના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય આગેવાનોનું ઉદ્ભબોધન કરવામા આવશે, જ્યારે સાંજના સમયગાળા દરમિયાન શંકરાચાર્યો દ્વારા અલગ અલગ દિવસે ઉદ્બોધન કરવામા આવશે.
તરભ ખાતેના વાળીનાથ મંદિર આખા ગુજરાતમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે. રાજ્યમાં સોમનાથ મંદિર પછી આ મંદિર માટે 1.48 લાખથી વધુ ઘન ફૂટ પથ્થર વાપરવામાં આવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.