વડા પ્રધાને મોદીએ સુદર્શન સેતનું કર્યુ લોકાર્પણ, બેટ દ્વારકા મંદિરમાં પૂજા અર્ચના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતને મોટી ભેટ આપી છે. વડા પ્રધાન મોદીએ ઓખા મેઈનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડતા સીબ્રીજ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ પણ કર્યુ છે. વડા પ્રધાન મોદી શનિવારે જામનગર પહોચ્યા હતા, જ્યાં જામનગરવાસીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આજે રવિવારે સવારે વડા પ્રધાને બેટ દ્વારકા મંદિરે પુજા અને દર્શન કરી હતી, ત્યાર બાદ તેમણે સુદર્શન સેતુ લોકાર્પણ કર્યું હતું.
ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો ‘સુદર્શન સેતુ’ રૂ.979 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદીએ ઓક્ટોબર 2017માં 2.3 કિમી લાંબા આ પુલનો શિલાન્યાસ કર્યો હતો અને જેનું આજે તેમણે જ લોકાર્પણ કર્યું.
સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે. ફોર લેન બ્રિજની બંને સાઈડ પર અઢી મીટરનો પેડેસ્ટ્રિયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે. જેને ‘આસ્થા સેતુ’ નામ આપવામાં આવ્યું છે. આ બ્રીજ પર ભગવદ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી શણગારવામાં આવ્યો છે.
‘સિગ્નેચર બ્રિજ’ તરીકે ઓળખાતા આ પુલનું નામ બદલીને ‘સુદર્શન સેતુ’ રાખવામાં આવ્યું છે. બેટ દ્વારકા એ ઓખા બંદર પાસેનો એક ટાપુ છે, જે દ્વારકા શહેરથી લગભગ 30 કિમી દૂર છે.
વડાપ્રધાન આજે બપોરે રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન પણ કરશે. રાજકોટ એઈમ્સ ઉપરાંત, વડા પ્રધાન આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં અન્ય ચાર નવા બનેલા એઈમ્સનું પણ વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે.