PM Modi Gujarat Visit: પીએમ મોદી શનિવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, સોમવારે સોમનાથ દાદાના દર્શન કરશે…

અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલ તા. 1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. (PM Modi Gujarat Visit)ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે શનિવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે આવી પહોંચશે અને ત્યાં સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. અને ત્યાર બાદ રવિવારની વહેલી સવારે રિલાયન્સ ખાતે વનતારાની મુલાકાત લેશે અને ત્યાં બપોરે ભોજન લીધા બાદ તેઓ સીધા જ સાસણ જવા માટે રવાના થશે અને ત્યાં સિંહ દર્શન કરશે તેમજ રાત્રી રોકાણ પણ સાસણ ખાતે જ કરશે. સોમવારે વહેલી સવારે સોમનાથ જવા માટે રવાના થશે.
Also read : ભારતમાં વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ હિસ્સો ગુજરાતમાં, જાણો ગુજરાતમાં કેટલા છે વેટલેન્ડ્સ
પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો
સોમનાથ ખાતે દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના નેતાઓ પણ હાજર રહેશે. ત્યારબાદ બપોરે સોમનાથ ખાતે ભોજન લીધા બાદ તેઓ સીધા જ રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ 2:30 કલાકે દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસના કાર્યક્રમને પગલે સૌરાષ્ટ્રભરની પોલીસ અલગ-અલગ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા મોટાભાગની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.
નો ડ્રોન ફલાય ઝોન જાહેર
આગામી 1 માર્ચ 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે છે. વડાપ્રધાન સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરનાર છે. જેના પગલે સુરક્ષાના અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર દ્વારા જામનગર જિલ્લાના એરફોર્સ સ્ટેશન, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા, જામનગર એરપોર્ટથી લાલ બંગલા સંકુલ સુધીન તથા મહાનુભાવોના આવવા-જવાના કોન્વોય રૂટ અને જામનગર (શહેર) થી લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) સુધીના જામનગર ખંભાળિયા હાઇવેના રસ્તાની આજુ-બાજુના વિસ્તારોને નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરેલ છે.
Also read : પાટડીમાં ખેડૂતોને હાશકારો! ત્રણ મહિનામાં પ્રશ્નને ઉકેલવા મુખ્ય પ્રધાનની ખાતરી
આ વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપુર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામાંમાંથી મુકિત આપવામાં આવી છે. આ હુકમ 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2025ના રાત્રે 11 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 તળે શિક્ષાપાત્ર થશે.